સુરત,તા.૨૫
ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ અહીં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપ્તિએ મુકાબલામાં ચાર ઓવરમાં ૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ચાર ઓવરના પોતાના સ્પેલમાં દીપ્તિએ ત્રણ ઓવર મેડન ફેંકી હતી. તે એક ટી૨૦ મેચમાં આટલી મેડન ઓવર ફેંકનાર પ્રથમ ભારતીય છે.
તેણે માત્ર પોતાની ચોથી ઓવરમાં રન આપ્યા અને બે મેડન ઓવરમાં વિકેટ પણ ઝડપી હતી. શર્માની શાનદાર બોલિંગને કારણે યજમાન ટીમ ૧૩૧નો સ્કોર પણ ડિફેન્સ કરવામાં સફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌરના ૪૩ રનની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૦ રન બનાવ્યા હતા.
૧૩૧ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકા તરફથી મિગનોન ડૂ પ્રીઝે અડધી સદી ફટકારી, પરંતુ મહેમાન ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. બોલિંગમાં શર્મા સિવાય શિખા પાંડે, પૂનમ યાદવ અને રાધા યાદવે બે-બે વિકેટ ઝડપી જ્યારે હરમનપ્રીતને એક સફળતા મળી હતી.