નવી દિલ્હી,તા.૬
પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે આઈપીએલ અને ટી-૨૦ વર્લ્ડ કપને લઇને જોરદાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આઈપીએલની જગ્યાએ ટી-૨૦ વર્લ્ડ કપને મહત્વ મળવુ જોઇએ. ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે, જો ટી-૨૦ વર્લ્ડ કપ ન યોજાય અને આઈપીએલ યોજાય તો ચોક્કસપણે સવાલો ઉભા થશે. ઈન્ઝમામ-ઉલ-હકે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ખાનગી ટી-૨૦ લીગને એટલું મહત્વ ન આપવું જોઈએ. આંતરરાષ્ટ્રીય મેચો પ્રથમ યોજાવી જોઈએ. તેમણે કહ્યું કે, જો આઈપીએલનું આયોજન થઈ શકે, તો પછી ટી-૨૦ વર્લ્ડ કપ કેમ ન થઈ શકે. એવા અહેવાલો છે કે, ટી-૨૦ વર્લ્ડ કપની તારીખો આઈપીએલ સાથે ટકરાઈ રહી છે અને તેથી જ તે યોજાશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડ ખૂબ જ મજબૂત છે અને આઈસીસીમાં તેની નોંધપાત્ર પહોંચ છે. જો ઓસ્ટ્રેલિયા કહે છે કે અમે કોરોના વાયરસને કારણે ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન કરી શકતા નથી, તો તે યોગ્ય છે, પરંતુ જો તે જ સમયે કોઈ ખાનગી લીગ યોજાય છે, તો ચોક્કસપણે પ્રશ્નો ઉભા થશે. જો ભારતીય બોર્ડ ૮ ટીમો વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે, તો પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેમ આવી કોઈ ઘટનાનું આયોજન કરી શકે નહીં. ઈન્ઝમામ-ઉલ-હકે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.