(એજન્સી) તા.ર૭
દારૂલ ઉલૂમ દેવબંદમાં મહિનાઓથી લાઈબ્રેરીમાં એક મોટી કવાયત જારી છે. લાઈબ્રેરી ઈન્ચાર્જ મૌલાના શફીક અને તેમની ૧૩ લોકોની ટીમ સતત મહેનત કરી રહી છે. આ લોકો રજા લઈ રહ્યા નથી અને હવે તેમના કામની કોઈ સીમા નથી, આવુ કરવાનું તેમની પર દબાણ નથી, પરંતુ તે જાણે છે કે, જે કંઈ આ લોકો કરવા જઈ રહ્યા છે તે ઈતિહાસમાં લખવામાં આવશે. કારણ કે, તેઓ ઈતિહાસને સાચવવાનું કામ કરી રહ્યા છે.
આ ઈતિહાસ બે લાખ પુસ્તકોમાં સમાયેલો છે, જેમાંથી ૧પ૬૩ પુસ્તકો માત્ર હાથથી લખવામાં આવ્યા છે. તેમાં મોગલ બાદશાહ ઔરંગઝેબના હાથથી લખેલ મુકદ્દસ કુર્આન અને જંતુ વિજ્ઞાન પર લખવામાં આવેલ ઈમામુદ્દીન જીકરીયાની ૭પ૦ વર્ષ જૂની પાંડુ લિપિ છે. અહીં પ૦૦થી લઈને ૭પ૦ વર્ષ જૂની પાંડુ લિપિ છે. દારૂલ ઉલુમને ભેટ અથવા દાનમાં મળ્યા છે. અહીં સુફીજન પર ખૂબ જ અમૂલ્ય ખજાનો છે. વિશ્વભરના પ્રસિદ્ધ વિદ્વાનોની સુફીજમ પર લખવામાં આવેલા અનેક પુસ્તકોનો ભંડાર છે. આ બધું હાથથી જ લખવામાં આવ્યું છે અને તેમાં સૌથી નવું પુસ્તક પણ ૩૦૦ વર્ષ જૂનું છે. દારૂલ ઉલૂમે આ અદ્‌ભૂત ખજાનો ૧પ૦ વર્ષથી ભેગો કર્યો છે. આ પુસ્તકોમાં ઉર્દૂ, ફારસી, અરબી, સંસ્કૃતમાં લખેલા પુસ્તકો છે. ખૂબ જ જૂની હોવાના કારણે તેમાંથી ૩૦૦ પાંડુ લિપિઓ પર લખેલું ઝાંખું પડવા લાગ્યું અને કાગળના ટુકડા તૂટવા લાગ્યા. આ જીર્ણ ક્ષીણ અવસ્થામાં આવી ગઈ તો દારૂલ ઉલૂમ માટે એક ચિંતા બની ગઈ. દારૂલ ઉલૂમના મોહતિમિમ મૌલાના અબ્દુલ ખાલિક મદ્રાસીને જ્યારે આ બતાવવામાં આવ્યું તો આ ધરોહર સાચવવી તેમની પ્રાથમિકતામાં સામેલ થઈ ગયું. ચર્ચામાં આ નક્કી થયું કે, આપણે કોઈ પણ સ્થિતિમાં આ પુસ્તકોને જીવિત રાખવાના છે.
અહીં જૂના પુસ્તકોનો એક મોટો જથ્થો છે. ૧પ૬૩ પાંડુ લિપીઓ છે તે ઉપરાંત હઝરત મોહમ્મદ સાહબ દ્વારા મિસ્રના બાદશાહે લખેલો પત્ર, ઔરંગઝેબના હાથે લખેલ કુર્આન, સોનાથી લખેલું કુર્આન, એક જ પાના પર લખેલું કુર્આન, તૌરેત સમસ્ત વેદ, ગીતા, મહાભારત, રામાયણ જેવા અદ્‌ભૂત જ્ઞાનના, હસ્તલિખિત પુસ્તકો છે જેને આધુનિક રીતે સંરક્ષિત કરવામાં આવી રહ્યા છે. મૌલાના અરશદ કાસમી જણાવે છે, “દારૂલ ઉલૂમના આલીમોનો ઈલ્મ માટે પ્રેમની સ્થિતિ એ છે કે પુસ્તકોને જીવંત રાખવા માટે કંઈ પણ કરી શકે છે. જેમ કે મૃત્યુ પામેલા શૈખુલ હદીસ મૌલાના અંજર શાહ કાશ્મીરીનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે. એક વખત તે મિસ્રમાં ગયા અને તેમને એક જૂનું પુસ્તક મળ્યું. જે તેમને ગમ્યું પરંતુ આપનારાએ અસમર્થતા વ્યક્ત કરી ત્યારે મૌલાનાએ તેને વાંચવા માટે માંગ્યું અને એક જ રાતમાં તેને યાદ કરી લીધું, તે પરત આવ્યા તો અહીં આવીને પુસ્તક લખી લીધું. હવે તે ‘નુરૂલ ઈજા’ અહીં સિલેબસમાં ભણાવવામાં આવે છે.
મૌલાના શફીક કહે છે કે, અમારે ત્યાં સંપૂર્ણ વિશ્વના રિસર્ચ સ્ટૂડન્ટ આવે છે. અમારે તેની સુરક્ષા કરવાની હતી. તે માટે કુલપતિ અબ્દુલ ખાલિક મદ્રાસી પોતે મને લઈને ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર ગયા. ત્યાંથી માહિતી મેળવી અને પછી ત્રણ લોકોની એક ટીમ જમ્મુમાં આ જ વિષય પર આયોજિત એક સેમિનારમાં ભાગ લેવા ગયા. અમે દિલ્હીમાં ઈરાન કલ્ચર હાઉસ સાથે સંપર્ક કર્યો. ઈરાન કલ્ચર હાઉસના લોકો ખૂબ જ પ્રોફેશનલ અને જાણકાર હતા. તે સહયોગ કરવા માટે રાજી થઈ ગયા. તેમણે જણાવ્યું કે, તે તમામ પાંડુ લિપિયોનો આધુનિક ટેકનોલોજીથી સંરક્ષિત કરી દેશે અને મહેનતાણા તરીકે દરેક પાંડુ લિપિની એક નકલ લેશે. તે માટે અમે તૈયાર થયા નહીં, પરંતુ મૌલાના અબ્દુલ ખાલિક મદ્રાસી સાહબનો જુસ્સો ગંભીરતા દર્શાવી રહ્યો હતો. અમે માહિતી મેળવી, ટેકનિકલ રીતે પોતાને સક્ષમ કર્યા. લોકડાઉન દરમિયાન ‘બિસ્મિલ્લાહ’ કરી દીધી. મૌલાના શફીક જણાવે છે આ પુસ્તકોમાં યુનાની ચિકિત્સા, જીવજંતુ, કાયદો, ઈતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, બ્રહ્માંડ, ગ્રહોના રહસ્ય સાથે જોડાયેલી માહિતી છે. અનેક પુસ્તકોને નષ્ટ થવાના ભયથી સદીઓથી ખોલવામાં જ આવ્યા નથી. સ્પેશિયાલિસ્ટ એક દિવસમાં ૧પ૦-ર૦૦ પાના સાચવી રહ્યા છે. અત્યારસુધી ૧ લાખ પાના સાચવવામાં આવ્યા છે. પ૦ લાખ પાનાનું સંરક્ષણ હજુ બાકી છે. અમે અહીં સંપૂર્ણ વિશ્વની ર૦ ભાષાઓમાં લખેલા દરેક ધર્મના પુસ્તકો સાથે એવું કરી રહ્યા છીએ.
દારૂલ ઉલૂમની લાઈબ્રેરીનું વાર્ષિક બજેટ પ૦ લાખ રૂપિયા છે. અહીં હાજર ૯પ ટકા પુસ્તકો હદિયામાં મળ્યા છે. આ બજેટ દારૂલ ઉલૂમના બજેટમાં સામેલ છે. દેવબંધના સમીર ચૌધરી જણાવે છે હજુ તો વિશ્વ આ જાણતું જ નથી કે, દારૂલ ઉલૂમની પાસે આવા અમૂલ્ય પુસ્તકો છે. ડિજિટલ થયા પછી તો સંપૂર્ણ વિશ્વમાં હોબાળો થઈ જશે. સ્થિતિ એ છે કે અત્યારથી નેશનલ અર્કાઈવજ ઓફ ઈન્ડિયા, મલેશિયા, સઉદી અરબ અને ઈરાને તેમાં ઘણો રસ દાખવ્યો છે અને મદદની ઓફર કરી છે. પરંતુ જાણકારો મુજબ દારૂલ ઉલૂમ આ કામમાં મદદ નથી ઈચ્છતું. આ પુસ્તકોને અડવાથી ભય લાગે છે જેમ કે તેને હાથ લગાવશું તો કાગળ તૂટી જશે, હવે આ જીવંત થઈ રહ્યા છે. આ વાત કરશે. ઈલ્મનો પ્રકાશ બહાર આવશે. ડિજિટલ રીતે આવ્યા પછી આ હજારો વર્ષ સુધી સુરક્ષિત થઈ જશે. ૧૯૦૭માં બનેલી આ લાઈબ્રેરી પણ આધુનિક થઈ ગઈ છે. દારૂલ ઉલૂમની અંદર જ ર૦ કરોડ રૂપિયાનો ખર્ચ છે હવે એક નવી લાઈબ્રેરી બની ગઈ છે. હવે પુસ્તકોને આ જ વર્ષે અહીં શિફ્ટ કરી શકાય છે.