અમદાવાદ, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ બુધવારે બાવળા પાસેના દેવ ધોલેરા ગામ ખાતે આઈક્રિએટ સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યું હતું ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાનની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમજ તેમની દોસ્તીને આવકારી ભારતની મુલાકાતે સહપરિવાર આવવા બદલ અને ગુજરાતનું નિમંત્રણ સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો. ભારત અને ઈઝરાયેલના લોકોને નજીક લાવવા ઈનોવેશને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઈન્ડિયા ઈઝરાયેલ ઈનોવેશન બ્રિજ બંને દેશોમાં ઈનોવેશનને વધુ મજબૂત બનાવશે. દેશની સમસ્યાઓથી મુક્તિ મેળવવા યુવાનો ઈનોવેશન કરે. દેશ માટેની કલ્પના અને સંકલ્પ જ દેશને આગળ લઈ જાય છે એમ પીએમ મોદીએ કહ્યું હતું. ત્યારે ઈઝરાયેલના પીએમએ કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારતમાં પરિવર્તન આવી રહ્યું છે. ટેકનોલોજી અને યુવાનો ભારતનું ભવિષ્ય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે ઈઝરાયેલ-ભારતના ક્રિએટીવ અને ઈનોવેશનના ક્ષેત્રમાં દેશનાં યુવાનો વિશ્વમાં નામ રોશન કરશે. ઈઝરાયેલની ટેકનોલોજી અને ક્રિએટિવીટી પુરા વિશ્વને પ્રભાવિત કરે છે. ઈઝરાયેલના જ્ઞાનનો ફાયદો ભારતને વોટર, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, રણમાં ખેતી, સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રમાં થઈ શકે છે. અમદાવાદ નજીક બાવળા પાસે દેવ ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થા રાષ્ટ્રને અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઈનોવેશન અને ક્રિએટિવ જ્ઞાનનો લાભ લઈ દેશના યુવાનો ઈન્ટેન્ટથી આઈડિયા, આઈડિયાથી ઈનોવેશન, ઈનોવેશન દ્વારા ન્યુ ઈન્ડિયાનું નિર્માણ થશે. આઈ-ક્રિએટ સંસ્થા નવા સ્વપ્નો અને ઈનોવેટીવ પ્રોજેક્ટ દ્વારા યુવાનોમાં નવા વિચારોનું વધુ સર્જન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દોસ્તીને આવકારી ભારતની મુલાકાતે સહપરિવાર આવવા બદલ અને ગુજરાતનું નિમંત્રણ સ્વીકારવા બદલ ઇઝરાયેલના વડાપ્રધાનનો આભાર માન્યો હતો. આઇ-ક્રિએટ સંસ્થાના ઉદ્‌ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય પ્રો. એન.વી.વસાણીને યાદ કરીને જણાવ્યું હતું કે, આઇ-ક્રિએટ સંસ્થા વટવૃક્ષ બનીને દેશના યુવાનો પોતાની એનર્જીનો ઉપયોગ કરી ન્યૂ ઇન્ડિયાના સારા પરિણામો પ્રાપ્તા કરશે. સરકાર અને સમાજ માટે આવી નવી સંસ્થાઓનું નિર્માણ થાય તે ખૂબ જ જરૂરી છે. ઇન્ડિયા-ઈઝરાયેલ ઇનોવેશન બ્રિજ બન્ને દેશોમાં ઇનોવેશનને વધુ મજબૂત બનાવશે. ઇઝરાયેલની ટેકનોલોજી અને ક્રિએટીવીટી પૂરા વિશ્વને પ્રભાવિત કરે છે ત્યારે આઇ ક્રિએટ જેવી સંસ્થા દેશના યુવાનોને ક્રિએટીવીટી અને ઇમેજિનેશનનું નોલેજ પૂરૂં પાડવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબાઇલ વોટર ટ્રીટમેન્ટ વાહનની અનોખી ભેટ આપવા બદલ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુનો આભાર માન્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોની શક્તિનાં સામર્થ્યથી નાના ‘ૈં’ થી મોટા ‘ૈં’ સુધીની સફર ખેડી દિવ્ય અને ભવ્ય ભારતનાં નિર્માણની નેમ વ્યકત કરી હતી. તેમણે ‘ૈં’ નો અહંકાર અને અહંમ વચ્ચે ન આવે તે રીતે રચનાત્મક દ્વારા સંશોધન કરી સામાન્ય માણસનું જીવન વધુ ઉત્તમ બનાવી શકાય તથા ભારત સામે રહેલાં પડકારોમાંથી મુક્તિ મેળવી શકાય તે દિશામાં કટિબધ્ધ થવાં યુવાનોને જણાવ્યું હતું. ઇન્ટેન્ટથી આઇડિયા, આઇડિયાથી ઇનોવેશન અને ઇનોવેશનથી ન્યૂ ઇન્ડિયાને સાકાર કરવાની ખેવના તેમણે વ્યકત કરી હતી. હોલિવુડની સાયન્સ ફિકશનની ફિલ્મ બને છે તેનાં કરતાં ઓછા ખર્ચે ઇસરો મંગળયાન તથા ઉપગ્રહો અવકાશની ભ્રમણ કક્ષામાં મૂકે છે. ઇસરોએ ૧૦૦ ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં મૂકવાની સિધ્ધિ હાંસલ કરી છે તેનો તેમણે ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. યુવાનોમાં રહેલી શક્તિઓનો દેશનાં સુગ્રથિત વિકાસ માટે ઉપયોગ કરી શકાય તે માટે આઇ-ક્રિએટ જેવી રચનાત્મક અને સર્જનાત્મક સંસ્થાની સ્થાપના કરી છે તેમ ઉમેર્યું હતું. ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ મોદીને માયડિયર ડિયર ફ્રેન્ડ કહીને તેમનું વકતવ્ય્‌ શરૂ કર્યું હતું. જણાવ્યું કે, જગતમાં ‘આઇ’-પેડ, આઇ-પોડની બોલબાલા છે પરંતું આવનારા સમયમાં આઇ-ક્રિએટનાં ‘ૈં’ ની જગતમાં બોલબાલા થશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ સંસ્થાની સ્થાપના કરવાના વિચાર બીજ રોપ્યાં હતાં. નેતાન્યાહુએ યુવાઓને સંબોધતાં કહ્યું કે, યુવા હૃદય જે કંઇ કરી છૂટવાની તમન્ના છે તેમનાં વિચાર અને સંશોધનનો જગતને બદલવાં ઉપયોગ થવો જોઇએ. યુવાનો દ્વારા દેશ બદલાતો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા છે અને વિઝનરી છે અને પોતાનાં પ્રબળ નેતૃત્વ દ્વારા ભારતને બદલી રહ્યાં છે. વિશ્વને વધુ સારૂં બનાવવાં ઇનોવેશન અને ટેકનોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેની ભૂમિકા આપી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકનોલોજી માટેના વિઝન અને મિત્રતાની ભરપૂર સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ ડ્રોન, લાઇફ સ્ટાઇલ વગેરે ટેકનોલોજીમાં ભારત સાથે સહભાગી થવા તત્પર છે. સંકલિત વિકાસ માટે ટેકનોલોજી વાપરવા અંગે તેમણે ભાર મૂક્યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાને પોતાના ભાષણના અંતમાં ‘જયહિંદ’, ‘જયભારત’ અને જય ઈઝરાયેલનો નારો લગાવી ભારત સાથેની પોતાની આત્મીયતા વ્યક્ત કરી હતી. તેને ઉપસ્થિત તાળીઓના નાદથી વધાવી લીધી હતી. ઈઝરાયલનાં વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ દ્વારા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ તરીકે આપવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ વ્હીકલનું સુઇગામ ખાતે વીડિયો લીન્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.