(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૫
સિદ્ધપુર ખાતેથી એક સપ્તાહ અગાઉ ચોરાયેલ ટેન્કર ચોરીનો પોલીસે ભેદ ઉકેલી વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. સિદ્ધપુરની શક્તિનગર સોસાયટીમાં પાર્ક કરેલ રૂા.૧૩ લાખની કિંમતના ટેન્કરની ગત તા.૪/૭/૧૯ના રોજ ચોરી થઈ હતી, જે અંગેની સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન સિદ્ધપુર પીઆઈ વાય.બી. જાડેજાને બાતમી મળતા પીએસઆઈ એચ.એલ. જોષી તથા સ્ટાફની વોચ ગોઠવી હતી અને ઓમપ્રકાશ ખંગારામ સુરજરામ બિશ્નોઈ તથા ઓમપ્રકાશ મંગલરામ બિશ્નોઈ સ્વીફટ ગાડી નં.આર.જે.૪૬.સી.એ.૧૭૮૩ લઈ તા.૧૧/૭/૧૯ના રોજ સિદ્ધપુર ખાતે આવતા બંનેની અટક કરી પૂછપરછ કરતા ટેન્કર ચોરીની કબૂલાત કરી હતી અને રાજસ્થાનથી ટેન્કરના મુદ્દામાલની રિકવર કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરતા આ બંને શખ્સોએ વડોદરા અને ગાંધીનગર જિલ્લા તથા રાજસ્થાનમાંથી પણ વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.