(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૩
ગુજરાત વિધાનસભામાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના ભાવ અંગે ફરી એકવાર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે અક્ષેપબાજીઓ થતા ગૃહમાં હંગામો મચી ગયો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણી ટેબલેટના મામલાનો ખુલાસો કરતા મુખ્યમંત્રીએ તેમને જે આક્ષેપ કર્યા હતા કે, ૧૪૦૮ રૂપિયામાં ટેબલેટ મળે છે તો તેનો જ ખુલાસો કરો નહીં તો માફી માંગો તેવી માગણી કરતા વિપક્ષના સભ્યો ઉભા થઈ જતા બંને પક્ષોએ હોબાળો મચાવી દીધો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ પરેશ ધાનાણીએ ટેબલેટ અંગે અગાઉના આક્ષેપો અંગે પોતાનો ખુલાસો રજૂ કરવાની માંગ કરી હતી અને ગૃહમાં બેઠેલા તમામ સભ્યો સમક્ષ ઉલ્લેખ કર્યો હતો કે, આ મુદ્દે મુખ્યમંત્રીએ મને ખુલાસો કરવા માટે સમય આપ્યો હતો તેમ કહી સરકાર પર ફરી આક્ષેપ કર્યો હતો કે, આ ખરીદીમાં રાજ્ય સરકારે રૂા.પર કરોડ વધારાના ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ભારત સરકારના ૨૦૧૭ના ઠરાવનું વાંચન કરતા મુખ્યમંત્રી અને અધ્યક્ષે તેમને અટકાવ્યા હતા. મૂળ મુદ્દાની સ્પષ્ટતા કરવા માટે ટકોર કરી હતી આ તબક્કે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો બીજી તરફ વિજય રૂપાણીએ કહ્યું કે, વિપક્ષી નેતા સ્પષ્ટતા કરવાને બદલે ગૃહને ગેરમાર્ગે દોરે છે. તેમણે તો માત્ર એટલી જ સ્પષ્ટતા કરવાની છે કે એમણે કરેલો આક્ષેપ સાચો છે કે ખોટો તેટલો જ ખુલાસો ગૃહમાં કરે તેવી માંગ વિજયભાઈએ કરતા ગૃહમાં પરેશ ભાઈ માફી માંગો માફી માંગો ના નારા ભાજપના સભ્યોએ શરૂ કરતાં ગૃહમાં હોબાળો મચ્યો હતો. આ મુદ્દો ગૃહમાં અડધાથી પોણા કલાક જેટલો લાંબો ખેંચતાણપૂર્વક ચાલ્યો હતો. જેમાં પરેશ ધાનાણીને ખુલાસો કરવાની કોઈતક શાસક ભાજપ તરફથી આપવા દેવાઈ ન હતી તો સામે પક્ષે પરેશ ધાનાણી પોતાની વાતે અડગ હતા. અંતે આ મુદ્દો આવતીકાલ પર અધ્યક્ષે ટાળી વિપક્ષ નેતાને લેખિતમાં ખુલાસો આપવા કહ્યું હતું.