(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છાત્રોને અપાયેલ ટેબલેટ અંગે વિધાનસભામાં કૌભાંડના આક્ષેપોએ ભારે વિવાદ ઊભો કર્યો છે જેમાં છેલ્લા એક સપ્તાહ સુધી વિવાદ વકર્યા બાદ ભાજપ સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં આક્ષેપો પૂરવાર ન કરી શકનાર વિપક્ષ કોંગ્રેસના નેતાને ઠપકો આપવાની દરખાસ્ત રજૂ કરતાં તેની ચર્ચામાં આક્ષેપોના મારા બાદ આખરે વિધાનસભા અધ્યક્ષે વિપક્ષ નેતાને ઠપકો આપતી દરખાસ્ત સ્વીકારી પસાર કરી હતી.
ગુજરાત વિધાનસભામાં ટેબ્લેટ ભ્રષ્ટાચાર મુદ્દે થયેલો ઘણો વિવાદ વકર્યો છે, આજે વિપક્ષના નેતાના ટેબલેટ ભ્રષ્ટાચાર અંગેના ગૃહમાં કરેલા આક્ષેપો મુદ્દે સત્તાધારી પક્ષ ભાજપે ૧૪૦૮ રૂપિયામાં ટેબ્લેટ મળે છે કે નહીં તેનો ખુલાસો માંગ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે, મીડિયામાં સસ્તી પ્રસિધ્ધિ માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યા છે અને ભાજપ સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, જે કોઇપણ રીતે યોગ્ય કે વાજબી ના કહી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભ્રષ્ટાચાર ના થયો જે આક્ષેપો કર્યા છે તેને પુરવાર કરવા મુખ્યમંત્રીએ કહ્યું હતું પરંતુ વિપક્ષ નેતાએ છેલ્લા ૩ દિવસથી કોઈપણ પ્રકારના આક્ષેપો પુરવાર કરવા માટે યોગ્ય માહિતી પૂરી પાડી નથી તે જ ગંભીર પ્રશ્નાર્થ જન્માવે છે. તેઓએ જણાવ્યું હતું કે, વિધાનસભા નિયમો પ્રણાલિકા પ્રમાણે જ ચાલે છે. ગૃહમાં અસત્યનો આશરો લઈ આધાર પુરાવા વગરના વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કોઈપણ હિસાબે ચાલે નહીં જેથી વિધાનસભાની ઉચ્ચ પરંપરાનું જતન કરવા સરકારે આપેલા ઠપકાની દરખાસ્તમાં અધ્યક્ષ સંમતિ આપતો નિર્ણય લે. તેવો સરકાર તરીકે અમારો આગ્રહ નહીં દુરાગ્રહ છે. ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઠપક દરખાસ્ત અંગે નિર્ણય સંભળાવતા જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહને કોઈપણ ગેરમાર્ગે દોરી શકે નહીં. ભૂલ થાય પરંતુ તેની માફી માંગવી જોઈએ. આ પ્રશ્નમાં વિપક્ષ નેતાએ ખૂબ સ્પષ્ટ રીતે સરકાર પર આક્ષેપ કર્યો અને પોતાની વાત સાચી હોવાનું દોહરાવતા રહ્યા. તેમણે આપેલા પુરાવા તેમના આક્ષેપોનું સમર્થન કરતા નથી. તેથી મારી પાસે કોઈ વિકલ્પ નથી. વિપક્ષના નેતાએ જે બદનક્ષીયુક્ત આક્ષેપોકર્યા છે તેને ગંભીરતાથી લઈ સરકારની ઠપકા દરખાસ્ત સ્વીકારી કડક શબ્દોમાં કહું છું કોઈપણ સભ્ય આવું કૃત્ય ના કરે. આ ઠપકો દરેક માટે એક દિશાસૂચન રહેશે એમ અંતમાં તેમણે ઉમેર્યું હતું.
ટેબલેટ કૌભાંડના આક્ષેપો અંગે આખરે વિપક્ષ નેતાને અધ્યક્ષે આપ્યો ઠપકો !

Recent Comments