(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
શહેરની જુના પાદરા રોડ પર વેકસીન કમ્પાઉન્ડમાં નવી બનેલી કોર્ટમાં આજે પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવાની અપુરતી વ્યવસ્થાને પગલે હોબાળો મચાવી દીધો હતો. ડિસ્ટ્રીકટ જજની ઓફિસમાં રજુઆત કરવા ગયેલા વકીલો ઉપર પોલીસે હળવો લાઠીચાર્જ કરતાં રોષે ભરાયા હતા. વકીલોએ ડિસ્ટ્રીકટ જજની ઓફિસમાં ટેબલ-ખુરશી અને બારી-બારણાની તોડફોડ કરી હતી. વકીલો સાથે પોલીસે કરેલ લાઠીચાર્જનાં વિરોધમાં વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી રોડ પર ચક્કાજામ કર્યો હતો. લાઠીચાર્જ ના વિરોધમાં અને વકીલોની પ્રાથમિક સુવિધાઓની માંગણીઓ સાથે અચોક્કસની મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. વડોદરા શહેરમાં ૧૩૦ કરોડનાં ખર્ચે વેકસીન કમ્પાઉન્ડમાં નવું કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ૭૬ કોર્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશાળ બનાવેલ કોર્ટ સંકુલમાં વકીલોને જે ટેબલો ફાળવામાં આવ્યા છે તે યોગ્ય રીતે ફાળવવામાં આવ્યા નથી. વકીલોની આ બેઠક વ્યવસ્થા સામે અગાઉથી જ વિરોધ હતો. તેમ છતાં ઉદ્‌ઘાટન કરતાં અગાઉ વકીલોનાં વિરોધને શાંત કરવા વકીલોને બેઠક વ્યવસ્થાની બાંહેધરી આપવામાં આવી હતી. ગત શનિવારનાં રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉદ્‌ઘાટન કર્યું હતું. સોમવારે નવી કોર્ટનો પ્રથમ દિવસ હોઇ, સવારે ૧૦ વાગે મોટાભાગનાં વકીલો ટેબલ મેળવવા કોર્ટ સંકુલમાં પહોંચી ગયા હતા. વકીલો ટેબલ અને બેઠક વ્યવસ્થા અંગે વિરોધ કરશે એવી અગાઉથી જ ધારણા હોવાને કારણે સવારથી કોર્ટનાં દરવાજે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કેટલાક વકીલો ટેબલ-ખુરશી લઇને આવ્યા હતા. તેમને પોલીસે રોકયા હતા. જેથી વકીલો અને પોલીસ વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. પોલીસની દાદાગીરી અને કોર્ટ સંકુલમાં પોલીસની ભારે હાજરીથી વકીલોમાં રોષ વ્યાપી ગયો હતો. આ અંગે વકીલો ડિસ્ટ્રીકટ જજ દોશીની ઓફિસમાં રજુઆત કરવા ગયા હતા. જ્યાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જજ સમક્ષ વકીલો બેઠક વ્યવસ્થા અંગે રજુઆત કરી રહ્યાં હતા. તે વખતે પોલીસે વકીલોને ધક્કામાર્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો. જેથી વકીલો ઉશ્કેરાયા હતા. કેટલાક વકીલોએ ડિસ્ટ્રીકટ જજની ઓફિસમાં રહેલ ફર્નિચર અને બારી-બારણાની તેમજ ફુલછોડનાં કુડાઓની તોડફોડ કરી ભારે હંગામો મચાવી મુક્યો હતો. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોર્ટ સંકુલમાં ધસી આવ્યા હતા. વકીલોને જે ટેબલો ફાળવવામાં આવ્યા છે તેમાં અસીલો સાથે વકીલો વાતચીત પણ કરી શકે તેવી વ્યવસ્થા નથી અને બેસીને ચર્ચા પણ કરી શકે તેમ નથી. આ અંગે વકીલો યોગ્ય બેસવાની વ્યવસ્થા અંગે ડિસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆત કરવા ગયા હતા. પરંતુ પોલીસે વકીલો ઉપર કરેલ હળવા લાઠીચાર્જને કારણે વકીલો હડતાળ પર ઉતરી ગયા હતા. અને સંકુલમાં ભેગા થઇ રેલી કાઢી ભારે સુત્રોચ્ચાર કરી પોલીસને કોર્ટ સંકુલમાંથી બહાર કાઢવાની માંગણી કરી હતી. વકીલોએ બપોરે કોર્ટની બહાર રોડ પર ધસી જઇ ચક્કાજામ કરી દેખાવો કર્યા હતા. આમ નવીન કોર્ટનાં પ્રથમ દિવસે જ વકીલોની બેઠક વ્યવસ્થાનો ઉકેલ ના આવે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી દેખાવો કરવાનો એલાન વકીલોએ આપ્યું હતું.