નેત્રંગ, તા.૧૯
નેત્રંગ ચારરસ્તા ઉપરથી સફેદ રંગના અશોક લેલેન્ડ ટેમ્પા નં.જીજે-૦૧-એચટી-૦૮૦૨માં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી વિજીલન્સ પોલીસને મળતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. જેમાં નેત્રંગ ચારરસ્તા ઉપર આવેલ ભરકાદેવી આઇસ્ક્રીમના દુકાનની સામે ટેમ્પો મળી આવતા તપાસણી કરતા ઘરવખરીનો સામાન ભરેલો નજરે પડ્યો હતો. પરંતુ વિજીલન્સ પોલીસે ટેમ્પા ઉપરના ભાગે ચઢી તપાસણી કરતાં મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં વિદેશી દારૂની પેટી નંગ- ૬૧ જેની કિં.૩,૨૬,૪૦૦, મોબાઈલ નંગ- ૨ જેની કિંમત, રોકડ રકમ ૫૩૨૦, અશોક લેલેન્ડ ટેમ્પો જેની કિં.૪,૨૫,૦૦૦ અને ઘરવખરીનો સામાન ૩૫૦૦ સહિત ૭,૬૩,૭૨૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે મોટા જથ્થામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયેલા પ્રતાપસિંહ મોહનસિંહ રાવત (ઉ.વ.૨૭, રહે.ભીલાડ, મહારાષ્ટ્ર) અને દીનેસીંગ તીલસીંગ રાવત (ઉ.વ.૨૧, રહે.ભીલાડ, મહારાષ્ટ્ર)ને દબોચી જેલ ભેગા કરી દીધા હતા. જ્યારે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રમણભાઈ ગુર્જર (રહે.ભીલાડ, મહારાષ્ટ્ર), અંકલેશ્વર ખાતે દારૂ લેવા આવનાર સહિત અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે નેત્રંગ પોલીસેે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ટેમ્પામાં ઘરવખરીના સામાનમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો

Recent Comments