(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૬
અમદાવાદમાં કોરોના સંક્રમણને રોકવા મ્યુનિસિપિલ કોર્પોરેશન ભારે મહેનત કરી રહ્યું છે. કોરોનાના કેસો કાબૂમાં રાખવા અમદાવાદ શહેરમાં બહારના જિલ્લાઓમાંથી કે અન્યત્રથી આવતા લોકોના ટેસ્ટ કરવા નાકાઓ પર ચેકઅપ પોઈન્ટ ઊભા કરાયા છે. બરોડા એક્સપ્રેસ હાઈવે પર કોરોના ટેસ્ટિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ આજે ટેસ્ટિંગ કિટનો જથ્થો ખલાસ થઈ જતાં બપોર બાદ લોકોના ટેસ્ટિંગ કરી શકાયા ન હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરોડા એક્સપ્રેસ હાઈવે પર કોરોના ટેસ્ટિંગ પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં અન્ય શહેરમાંથી આવતા વાહનચાલકોને ટેસ્ટ કર્યા બાદ આગળ જવા દેવામાં આવે છે. અમદાવાદમાં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવા ખાસ ઊભા કરાયેલા ચેકીંગ પોઈન્ટ પર ટેસ્ટિંગ માટેની કિટનો જથ્થો ખલાસ થઈ જતાં બપોર બાદ કીટના અભાવે ચેકપોસ્ટ પર કોરોના ટીમના સભ્યો બેસી રહ્યા હતા. તો બીજી બાજુ વાહન ચાલકો ટેસ્ટ કરાવ્યા વગર જ પસાર થતા જોવા મળતા હતા. આમ કિટના અભાવે ટેસ્ટ ન થઈ શકવાને કારણે પોઝિટિવ વ્યક્તિઓ શહેરમાં પ્રવેશી ગઈ હોય તેવી શક્યતા નકારી શકાય નહીં. બરોડા એક્સપ્રેસ હાઈવે પર સુરત સહિતના શહેરોમાંથી પણ લોકો આવતા હોય છે ત્યારે કિટના અભાવે ચેકીંગ ન થાય તે ચિંતાજનક સાબિત થઈ શકે. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ-વે પર અમદાવાદમાં પ્રવેશવાના નાકા પર ૨૪ કલાક ટેસ્ટિંગ કરવામાં આવે છે જેમાં રોજની ૧૫૦૦થી ૨૦૦૦ જેટલી કિટ વપરાઈ જાય છે. જો કે, રવિવારે સવારના સમયમાં જ કિટ ખલાસ થઈ ગઈ હતી. કિટ શા માટે નથી તે અંગે મ્યુનિ.ના આરોગ્ય વિભાગના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર આજે રવિવાર હોવાથી શહેરમાં પ્રવેશવા લોકોનો ધસારો વધી જતાં બપોર સુધીમાં કિટ ખલાસ થઈ ગઈ હોવાનું કહેવાય છે.
Recent Comments