ટોક્યો,તા.૨૪
ટોક્યો ઓલિમ્પિકમાં બોક્સિંગમાં ભારતની આશાને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બોક્સર વિકાસ કૃષ્ણન યાદવની ઓલમ્પિક યાત્રા પૂરી થઈ છે. બોક્સર વિકાસે જાપાનના ઓકાજાવા સામે ૦-૫થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ૨૪ જુલાઈના રોજ વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. મીરાબાઈએ ૪૯ કિલો કેટેગરીમાં બીજુ સ્થાન મેળવ્યું. મીરાબાઈએ ૨૦૨ના કુલ વજનની સાથે બીજુ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધાની ચીનની જીહોઈ હોઉએ જીતી છે. આ સાથે જ મીરાબાઈ વેઈટ લિફ્ટીંગમાં મેડલ જીતનારી ભારતની બીજી મહિલા બની ગઈ છે. જોકે બીજીબાજુ બોક્સિંગ સ્પર્ધામાં ભારતની ખરાબ શરુઆત થઈ છે. ભારતના બોક્સર વિકાસ કૃષ્ણને પુરુષ વેલ્ટર ૬૯ કિલોગ્રામ સ્પર્ધામાં ૩૨ મુકાબલાના તબક્કામાં ૦-૫થી હારનો સામનો કરવો પડ્યો છે. વિકાસ કૃષ્ણન પર જાપાનના બોક્સર ઓકાજાવા ખૂબ જ ભારે પડ્યો હતો. આ હાર સાથે જ વિકાસ કૃષ્ણનની ઓલમ્પિક્સ યાત્રાનો પણ અંત આવ્યો છે અને તેઓ બહાર થઈ ગયા છે. આ પહેલા ભારતના સ્ટાર ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા એકલ કેટેગરીમાંથી બીજી કેટગરીમાં પહોંચી ગયા છે. મનિકાએ શનિવારે રમાયેલા પહેલા મુકાબલામાં બ્રિટની તિન-તિન હોને ૪-૦ થી હરાવી છે.
Recent Comments