ખાન મુસ્લિમ યુવાઓ માટે એક પ્રેરણાના સ્ત્રોત સમાન છે. તેઓ યુવાઓને કહે છે કે આપણા સમુદાયના લોકો મોટાપાયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જ નથી જેના લીધે આપણા સમુદાયના લોકો દરેક તબક્કે પાછળ રહી ગયા છે

ખાન કહે છે કે હું ભારતીય રેલવેમાં
એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો.
આ નોકરીમાં હોવાને લીધે હું ફૂલટાઈમ
અભ્યાસ કરી શકતો નહોતો. જ્યારે
સમય મળે ત્યારે અભ્યાસ કરી લેતો હતો

(એજન્સી) તા.૧૦
ચાલુ વર્ષે સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરનારા મોહમ્મદ કમરુદ્દીન ખાને આ વખતે યુપીએસસીમાં સફળ થનારા વિદ્યાર્થીઓની યાદીમાં ૫૧૧મું રેન્ક પ્રાપ્ત કર્યુ હતું. તે આઈઆઈટી ખડગપુરનો પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યો છે.
એક વ્હાઈટ કોલર જોબ હાથમાં હોવા છતાં તેમણે આ વખતે બહુપ્રતિક્ષિત પરીક્ષામાં ભાગ લીધો હતો. જોકે હવે ખાન સફળતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. પોતાની અત્યાર સુધીની સફર વિશે તે કહે છે કે મેં આઈઆઈટી ખડગપુરથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યુ છે. એક જાણીતા મુસ્લિમ અખબાર સાથેની વાતચીતમાં તે કહે છે કે હું ભારતીય રેલવેમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. આ નોકરીમાં હોવાને લીધે હું ફૂલટાઈમ અભ્યાસ કરી શકતો નહોતો. જ્યારે સમય મળે ત્યારે અભ્યાસ કરી લેતો હતો. હું મારા અત્યંત બીજી શિડ્યુલમાં ભાગ્યે જ ટાઈમિંગ બેસાડીને અભ્યાસ માટે સમય કાઢી લેતો હતો. જ્યારે પણ સમય મળે હું અભ્યાસ પર ધ્યાન આપતો. છેલ્લાં કેટલાક દિવસોમાં તો મારાથી અભ્યાસ પર ધ્યાન જ નહોતું અપાયું. તે કહે છે કે ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસની ૨૦૧૪માં લેવાયેલી પરીક્ષામાં હું સફળ થયો હતો. ત્યારબાદ મને રેલવેમાં નોકરી મળી હતી અને રેલવે મેનેજરની પોસ્ટ મળી હતી. મારૂં સપનું હંમેશા દેશની સેવા કરવાનું હતું. એટલા માટે જ તે એન્જિનિયરિંગ પછી સિવિલ સર્વિસિઝમાં જોડાયો. તે કહે છે કે વિદેશ જવાને બદલે યુવાઓએ અહીં જ દેશમાં રોકાવું જોઇએ અને દેશની સેવા કરવી જોઈએ. મુસ્લિમ યુવાઓની ઉમેદવારી અને ભાગીદારી ઘટતી જઈ રહી છે. મારી આ જ ભલામણ છે કે આ તકનું લાભ લો અને એક વેલ્યૂએબલ પ્રોફેશનમાં કારકિર્દી ઘડો. ખાન કહે છે કે કર્ણાટકના બિદરમાં એકવાર અમારી સ્કૂલમાં જિલ્લા કલેક્ટરને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. તેમની નિઃસ્વાર્થ સેવાને લીધે આખા જિલ્લામાં તેમનું માન સન્માન અઢળક હતું. મારા પરિવારજનરો અને સંબંધીઓએ પણ મને તેમની જેમ જ એક અધિકારી બનવા કહ્યું હતું. તેમને સમર્થન આપનારા લોકો વિશે પૂછતાં ખાને કહ્યું કે મારા પરિવારે હંમેશા મારા નિર્ણયને ટેકો આપ્યો હતો. ખાન એક મધ્યવર્ગ પરિવારથી આવે છે. તેમણે કહ્યું કે હું પહેલાં રેલવેમાં જોડાવા માગતો હતો અને પછી મેં આઈએએસ અધિકારી બનવાનું સપનું જોયું. ખાન મુસ્લિમ યુવાઓ માટે એક પ્રેરણાના સ્ત્રોત સમાન છે. તેઓ યુવાઓને કહે છે કે આપણા સમુદાયના લોકો મોટાપાયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જ નથી જેના લીધે આપણા સમુદાયના લોકો દરેક તબક્કે પાછળ રહી ગયા છે.