(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સુરત મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત વરાછા વિસ્તારમાં સ્માર્ટ ડસ્ટબીન બનાવવામાં આવી હતી. પરંતુ રાત્રિના સમયે અજાણ્યા ટોળાંઓએ અંદર ગ્રાઉન્ડ સ્માર્ટ ડસ્ટબીન ઉખાડી નાંખી સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યુ હતુ. અને તેની જગ્યા પર પ્લેટફોર્મ બનાવી દેવી દેવતાનું મંદીર મુકી દીધુ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભટાર ટેનામેન્ટ સ્થિત અલથાણ નજીક આવેલા જય નર્મદ નગર સોસાયટીમાં રહેતા કમલેશભાઇ હિરાભાઇ પાટીલ વરાછા સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત વરાછા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ સ્માર્ટ ડસ્ટબીન મુકવામાં આવી હતી. જેથી શહેરમાં થતી ગંદકી ઓછી કરી શકાય. આવી એક ડસ્ટબીન વરાછા હરીધામ સોસાયટી નગર પ્રાથમિક શાળા નં – ૨૭૧ની સામે મુકવામાં આવી હતી. લોકો આ ડસ્ટબીનનો ઉપયોગ કચરા માટે સારી રીતે કરી રહ્યાં હતા. તે દરમ્યાન તા. ૧૫મી જુલાઇના રોજ રાત્રિના સમયે મહિલા અને પુરૂષોનું એક ગેરકાયદેસર ટોળું ધસી આવ્યુ હતુ. પબ્લીકને કચરો નાંખવા માટે બનાવેલી અંડર ગ્રાઉન્ડ ડસ્ટબીન ઉખાડી નાંખી સરકાર પ્રોપર્ટીને નુકશાન કર્યુ હતુ. ત્યારબાદ ડસ્ટબીન સાઇડ પર મુકી રાતોરાત પ્લેટફોર્મ બનાવી દેવી દેવતા વગરનું મંદીર મુકીને ભાગી ગયા હતા. સવારે લોકો કચરો નાંખવા માટે ડસ્ટબીન પાસે આવતા મંદીર જાઇ તેઓ આશ્રર્યમાં મુકાઇ ગયા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતાં પોલીસ પણ દોડી આવી હતી. આ અંગે વરાછા ઝોનને જાણ થતાં અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજો ચેક કર્યા હતા. ત્યારે લોકટોળાંએ આ કૃત્ય કર્યુ હોવાનું દેખાયુ હતુ. જેથી વરાછા ઝોનના કર્મચારી કમલેશભાઇ પાટીલે વરાછા પોલીસ મથકમાં રાયોટીંગ અને ડેમેજ ટુ પ્રોપર્ટી એકટ મુજબ ટોળાં વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ટોળાએ અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન ઉખાડી નાખી તેની જગ્યાએ પ્લેટફોર્મ બનાવી મંદિર બનાવી નાખ્યું

Recent Comments