(એજન્સી) લખનઉ, તા. ૮
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં હિંસક ટોળાના હુમલાના મામલામાં રાજ્ય સરકારે બુલંદશહરના એસએસપી કૃષ્ણ બહાદુરસિંહની લખનઉની ડીજીપી ઓફિસમાં ટ્રાન્સફર કરી દીધી છે અને તેમના સ્થાને સીતાપુરના પોલીસ અધીક્ષક (એસપી) પ્રભારકર ચૌધરીને બુલંદશહર લાવવામાં આવ્યા છે. હિંસક ટોળાના હુમલાના મામલામાં અન્ય બે પોલીસ અધિકારીઓ પર પણ ગાજ પડી છે. બંને અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. હિંસક ટોળના હુમલામાં સ્યાના પોલીસ મથકના ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહ અને અન્ય એક યુવકનાં મોત થયા હતા. અધિક પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર)એસબી શિરોડકર દ્વારા હિંસા અંગે સુપરત કરવામાં આવેલા અહેવાલને આધારે સર્કલ ઓફિસર (સીઓ) સત્ય પ્રકાશ શર્મા અને ચિંગરાવઠી પોલીસ ચોકીના ઇન્ચાર્જ સુરેશ કુમારની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સોમવારે વિસ્તારમાં બગડેલી પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળ નીવડવા બદલ બંને અધિકારીઓની ટ્રાન્સફર કરાઇ છે. પોલીસ મહાનિર્દેશક (ડીપીજી) ઓપીસિંહના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીપીએ આ મામલામાં રિપોર્ટ રાજ્યના મુખ્ય પ્રધાન યોગીઆદિત્યનાથને સુપરત કરી દીધો હતો. દરમિયાન, યોગી આદિત્યનાથે બુલંદશહરની આ ઘટનાને એક દુર્ઘટના ગણાવી હતી. પોલીસે બુલંદશહરમાં હિંસક ટોળા દ્વારા હુમલાના સંદર્ભમાં અત્યાર સુધી ૯ આરોપીઓની ધરપકડ કરી છે.