અમદાવાદ, તા.૭
રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોનાના ગંભીર દર્દીઓને બચાવવા માટે સૌથી અસરકારક નીવડેલા ટોસીલોઝુમેબ નામના ઈન્જેકશનની તંગી જોવા મળી રહી છે. એક ઈન્જેકશન રૂા.૪પ હજારની કિંમતનું હોય છે. ત્યારે મોંઘા ઈન્જેકશનની અછત વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ટોસીલોઝુમેબના ર૦ હજાર નવા ઈન્જેકશનની ખરીદી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિમાં સરકારે આગમચેતી સ્વરૂપે પગલા લીધા છે. કોર ગ્રુપની બેઠક દરરોજ આયોજિત થાય છે. સતત નવી દવાઓ અને સાધનોની ખરીદી થઇ રહી છે. એક ઇન્જેક્શન ૪૫ હજાર રૂપિયાનું આવે છે અને તેની તંગી પણ ખુબ હોવા છતા સરકાર સતત તેની ખરીદી કરી રહી છે. ૨૦ હજાર નવા ઈન્જેક્શનની ખરીદી પૂર્ણ થઈ છે. ડોક્ટર્સની સલાહ અનુસાર તેનો વપરાશ પણ છુટથી થઇ રહ્યો છે. આ ઇન્જેક્શન વિશ્વમાં માત્ર એક જ કંપની બનાવે છે. સરકાર આ ઇન્જેક્શન વિના મુલ્યે જરૂર અનુસાર ઉપયોગ કરે છે.
ઉલ્લેખનીય છે કે, નવસારીના સાંસદે ઈન્જેક્શનને લઈ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને પત્ર લખ્યો હતો. ઈન્જેક્શનની અછતને લઈને સાંસદે આ પત્ર લખ્યો હતો. ઈન્જેક્શન ન મળતાં હોવાની સામાજિક કાર્યકરો અને NGOએ સાંસદને રજૂઆત કરી હતી. અને આ મામલે સાંસદે ઈન્જેક્શનનો મોટો જથ્થો સુરત-નવસારીની હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવા માટે ભલામણ કરી હતી.