(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
શહેર નજીકના નેશનલ હાઇવે પર આવેલ જામ્બુવા બ્રીજ પાસે સોમવારની રાત્રે ટ્રકના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ટ્રક ડિવાઇડર સાથે અથડાઇને રોંગ સાઇડમાં જતી રહી હતી. અકસ્માત અંગે મકરપુરા પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેર નજીક નેશનલ હાઇવે નં.૮ પરથી સોમવારે રાત્રે સુરતથી અમદાવાદ તરફ પુરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકે જામ્બુવા બ્રીજ પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી ટ્રક ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઇને ડિવાઇડર કુદીને રોંગ સાઇડના માર્ગ પર પહોંચી ગઇ હતી. તે વખતે મોટરસાઇકલ પર ત્રણ સવારી પસાર થતા ત્રણ યુવકોની બાઇક સાથે અથડાઇ હતી.
જેથી ત્રણે યુવકો હવામાં ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાઓને કારણે ત્રઁણે જણાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસ તરત ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા મૃતકોના નામ પુષ્પેન્દ્ર સુખવીરસીંગ સીંગ (ઉ.વ.૨૬), ધીરજ સતવીરભાઇ પરમાર (ઉ.વ.૨૭) તથા ઓમકાર માનસીંગ કર્ણાવત (ઉ.વ.૪૨) હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બનાવ અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. ત્રણે જણાના પરિવારજનોના ભારે આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માત અંગે પોલીસે સતેન્દ્રસિંગ સુખવીરસીંગ સીંગની ફરીયાદને આધારે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી ત્રણે મૃતદેહોને સયાજી હોસ્પીટલ ખાતે મોકલી આપ્યા હતા. જ્યાં ત્રણે મૃતદેહોના તબીબે આજે પોસ્ટ મોર્ટમ કરી તેમના પરિવારજનોને સોંપ્યા હતા.