(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
આજે વહેલી સવારે સોનગઢના મેંઢા ગામે હાઇવા ટ્રક ઉપરથી પસાર થતા હાયટેન્શન વાયરને અડી જતા પતિ-પત્ની સહિત બે પુત્રોને કરંટ લાગતા પતિ-પત્ની અને એક પુત્રનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે એક પુત્ર ઝાટકાથી ફેંકાઇ જતા તે બચી ગયો હતો. ઘટનાને પગલે ગામમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોનગઢના મેઢા ગામ ખાતે આવેલ ઉપલું ફળિયામાં રહેતા ફિલીપભાઇ જયરામભાઇ ગામીત (ઉ.વ.૩ર) આજે સવારે હાઇવા ટ્રક જીજે-પ-એવી-૧૫૫૫ લઇને કામ ઉપર જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગામના પ૦ મીટરના અંતરે તેની ટ્રકનો એક વ્હીલ જામ થઇ ગયો હતો ત્યારે ફિલીપ ગામીત ટ્રક ઉભી રાખી હાઇડ્રોલીકનો ભાગ સહજ ઉપર રાખી નીચે ઉતરી ટાયર જોતો હતો ત્યારે તેના પિતા જયરામભાઇ ચેમાભાઇ ગામીત (ઉ.વ.પ૦), માતા બીજનાબેન જયરામભાઇ ગામીત (ઉ.વ.૪૮) અને તેનો ભાઇ રાજેશ જયરામ ગામીત (ઉ.વ.ર૬) તેની મદદ કરવા માટે ત્યાં દોડી આવ્યા હતા. પરિવાર તમામ સભ્યો ટાયર નીચે લાકડુ મુક્તા હતા ત્યારે ધીરે ધીરે ટ્રકનો હાઇડ્રોલિકનો ભાગ ઉપરતી પસાર થતા હાઇટેન્શન ઇલેક્ટ્રિક લાઇટને અડી ગયો હતો જેના કારણે ચારે જણાને કરંટ લાગ્યો હતો આ ઘટનામાં રાજેશ ગામીત ઝાટકાના કારણે દુર ફેંકાયો હતો. જ્યારે તેના પિતા માતા અને ભાઇને ગંભીર ઝાટકો લાગવાના કારણે ઘટના સ્થળે જ ત્રણેયનું મોત થઇ ગયું હતું. આ ઘટના અંગે ખબર પડતા ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઘટના પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી. તેમજ સોનગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.