(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૨
આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ગામે આજે આરોગ્ય કેન્દ્રનાં ઉદધાટન દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજયની સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અમેરીકાનાં પ્રમુખનાં આગમન પાછળ પ્રજાએ પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્ષમાંથી સો કરોડથી વધુનો વ્યર્થ ધુમાડો કરવામાં આવ્યો છે,નમસ્તે ટ્રંપનો કાર્યક્રમથી દેશ કે ગુજરાતની પ્રજાને કોઇ ફાયદો થવાનો નથી,આ ઈવેન્ટ માત્રને માત્ર વ્યકિતગત પબ્લીસીટી માટે હોવાનું જણાવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે,ર વિશ્વમાં લોકો ગાંધીનાં વિચારો,સત્ય અને ભાઈચારાનાં સંદેશને સ્વિકારે છે,અને આજે આખુ વિશ્વ કહે છે કે તમામ સમસ્યાઓ,પ્રશ્નોનો ઉકેલ ગાંધીનાં જીવનમાંથી મળી શકે છે,ત્યારે આ ગાંધીની ધરતી પર અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપનું આગમન થઈ રહ્યું છે,ત્યારે અમારી વિનંતી છે કે ગાંધી આશ્રમમાં આવો અને ગાંધી વિચારોથી આપનાં માધ્યમથી આવનારા સમયમાં અનેક વિવાદોનો અંત આવે તે માટે ગાંધીની ભુમિ પરથી આપને તાકાત મળશે પ્રેરણા મળશે.અમિત ચાવડાએ કહ્યું હતું કે નમસ્તે ટ્રંપ કાર્યક્રમ ગુજરાતીઓ કે દેશનાં હિત માટે નથી,આ કાર્યક્રમ ફકતને ફકત અમેરિકાની ચુંટણીમાં ટ્રંપને મદદ કરવા તેમજ તેમની ફેવરમાં માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે,પ્રજાએ પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્ષમાંથી આ કાર્યક્રમ પાછળ ૧૦૦ કરોડથી વધુ નાણાનો વ્યર્થ ખર્ચ કરાઈ રહ્યો છે,આ ઈવેન્ટથી રાજકીય લાભ તેમજ વ્યકિતગત પબ્લિસિટી થાય તેવો પ્રયાસ થઈ રહ્યો છે.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમથી દેશને શું લાભ થશે,ગુજરાતને શું લાભ થશે,ટ્રંપ કહે છે કે મને મોદીએ કહ્યું કે તમે અમદાવાદ આવો ૭૦ લાખ લોકો તમારૂં સ્વાગત કરશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું ઉદધાટન થશે અને આજે અમદાવાદનાં મેયર કહે છે કે, ૫૦ હજાર લોકો આવશે, કોર્પોરેશન અને કમિશનર કહે છે કે એક લાખ લોકો આવશે,જયારે ગુજરાત ક્રિકેટ એશોસીએશન કહે છે કે સ્ટેડીયમનું ઉદ્‌ધાટન થવાનું નથી માત્ર ઈવેન્ટ છે, ત્યારે આ કાર્યક્રમ ગુજરાત કે દેશનાં હિત માટે નહી પણ વ્યકિતગત પબ્લીસીટી માટે પ્રજાનાં નાણાની બરબાદી માટે હોય તેમ લાગી રહ્યું છે.