(એજન્સી) તા.૩
રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એવી નવી ઇમિગ્રેશન નીતિની હિમાયત કરી રહ્યા છે જેમાં પરિવારના સભ્યો સહિત કોઇ પણ કરતા અત્યંત કૌશલ્ય (હાઇલી સ્કિલ્ડ) ધરાવતા ઇમિગ્રન્ટ્‌સની તરફેણ કરવામાં આવશે. ઘણા ભારતીય ઇમિગ્રન્ટ્‌સ આ અભિગમને સમર્થન આપી રહ્યા છે.
તાજેતરમાં રીપબ્લિકન હિંદુ કોએલિશન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યંુ હતું જેમાં આ પ્લાનને સમર્થન આપવા માટે ૨૦૦ જેટલા ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી. કોએલિશનની એવી દલીલ છે કે ભારતીય ઇમિગ્રન્ટ્‌સ હાઇલી સ્કિલ્ડ છે અને તેથી આ પ્લાનમાં તેમને લાભ થશે.
ઘણા ભારતીય હાઇટેક વર્કર્સ, ડોક્ટર્સ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા અન્ય લોકો પણ આ વાત સાથે સંમત છે. વાસ્તવમાં તેમની આ ધારણા ખોટી છે. અમેરિકામાં ભારતીય ઇમિગ્રન્ટ્‌સ જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી જુદા જુદા માર્ગ દ્વારા અમેરિકા આવે છે. બીજું ગ્રુપ અને તેના સમર્થકો પ્રશાસનની વાસ્તવિક ઇમિગ્રેશન અગ્રીમતાઓને સંપૂર્ણપણે સમજતા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન જાહેરમાં હાઇસ્કિલ્ડ ઇમિગ્રન્ટ્‌સની તરફેણ કરે છે પરંતુ અંદરખાને એચ-૧બી જેવી વિઝાઓનો ઉપયોગ મર્યાદિત કરવાની ઝુંબેશ હાથ ધરી છે અને તેના ઉપયોગને મર્યાદિત કરવા શ્રેણીબદ્ધ પગલાઓ જારી કર્યા છે. તાજેતરમાં ૨૨ ફેબ્રુઆરીના રોજ યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા એચ-૧બી વિઝા પર નવા નિયંત્રણો મૂકતો એક મેમો જારી કરવામાં આવ્યો હતો. આમ ટ્રમ્પ પ્રશાસનના અભિગમમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. જાહેરમાં હાઇસ્કિલ્ડ ઇમિગ્રન્ટ્‌સની તરફેણ કરવામાં આવે છે અને અંદરખાને આ પ્રકારની કેટેગરીની વિઝા મર્યાદિત કરવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. આથી ટ્રમ્પના નવા ઇમિગ્રેશન પ્લાનથી ભારતીય ઇમિગ્રન્ટ્‌સને કોઇ મોટો ફાયદો થાય એવું લાગતું નથી.