અમદાવાદ, તા.૨૨
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયાને તા.૨૪મી ફેબ્રુઆરીએ આવકારવા અને તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત માટેની તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ખાસ કરીને ટ્રમ્પ અને મોદીના મેગા રોડ-શો અને મોટેરા સ્ટેડિયમમાં તેમના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જબરદસ્ત સફળ બનાવવા માટે ખુદ રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટી તંત્ર અને ખુદ ભાજપના નેતાઓ અને આગેવાનો દોડધામ કરી રહ્યા છે અને ઉપરથી મળેલી સૂચના મુજબ, જનમેદની તા.૨૪મી ફેબ્રુઆરીએ એકત્ર કરવામાં સૌકોઇ જોતરાયા છે. તો, બીજીબાજુ, ટ્રમ્પ અને મોદીની મુલાકાત, વિશાળ રોડ શો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ અમેરિકી સુરક્ષા એજન્સીઓને લઇ સ્થાનિક પોલીસ, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે. આજે મેગા રોડ શોના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા વિધિવત્‌ ફરી એકવાર રિહર્સલ કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસના અત્યંત આધુનિક સુરક્ષા ઉપકરણો સાથેના સાધનો, જીપ સહિતના વાહનોનો લાંબો ખડકલો રૂટના માર્ગો પર જોવા મળતો હતો. તો, સાથે સાથે રૂટના માર્ગો અને સ્થાનો પર ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ, મોદી-ટ્ર્‌મ્પના ફોટાવાળા બેનરો, રોડ-શો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના બેનરો સહિતના કટઆઉટ અને આકર્ષણો છવાયા છે. જેને લઇને હવે ટ્રમ્પની અમદાવાદ મુલાકાત જાણે ટોક ઓફ ધી ટાઉન બની છે.