(એજન્સી) રોઈટર, તા.૩૦
અમેરિકી સરકારના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનેર અને એમની ટીમ સઉદી આરબ અને કતારના પ્રવાસે જઈ રહી છે. મુલાકાતનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા પછી ઊભી થયેલ તંગદિલીને અટકાવવાનો છે.
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કુશનેર સઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે સઉદીના નેઓમ શહેરમાં મળશે અને કતારના એમીર સાથે આગામી દિવસોમાં એમના દેશમાં મળશે. કુશનેર સાથે મધ્ય પૂર્વના રાજદૂત અવી બેર્કોવીત્ઝ અને બ્રિયન હુક અને અદમ બોશ્લેર પણ જોડાશે. કુશનેર અને એમની ટીમે ઇઝરાયેલ અને બહેરીન, યુએઈ અને સુદાન વચ્ચે સામાન્ય સંબંધો બનાવવામાં ઘણી મદદ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે બિડેનને ર૦મી જાન્યુઆરીએ સત્તા સોંપાય એ પહેલા તેઓ વધુ કરારો કરવા ઈચ્છે છે. અમેરિકાના અધિકારીઓનું માનવું છે કે સઉદી આરબને આ સોદા સાથે જોડવાથી અન્ય આરબ દેશો પણ એમની સાથે જોડવા પ્રોત્સાહિત થશે. પણ સઉદી આરબ હવે એવું નથી વિચારી રહ્યું. પણ એમને આ ક્ષેત્રમાં ઈરાનના વધતા પ્રભાવની વધુ ચિંતા છે. શુક્રવારે તહેરાનમાં અજાણ્યા લોકોએ મોહ્‌સેન ફખરીઝાદેહની હત્યા કરી હતી. એ પછી કુશનેરની મુલાકાત યોજાઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પશ્ચમી અને ઇઝરાયેલ સરકારોના માનવા મુજબ ફખરીઝાદેહ ઈરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમના સંયોજક હતા. હત્યાના થોડા જ દિવસો પહેલા ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુ સઉદી આરબ ગયા હતા અને બિન સલમાન સાથે મળ્યા હતા.ઈઝરાયેલી મીડિયાએ કહ્યું હતું કે એમની સાથે અમેરિકાના મુખ્ય સચિવ માઈક પોમ્પિયોે પણ હતા. આ મુલાકાતની ઈરાને ગંભીર નોંધ લીધી હતી. બિન સલમાન અને નેતાન્યાહુને ભય છે કે રાષ્ટ્રપતિ બિડેન ઈરાન બાબતે બરાક ઓબામા જેવી નીતિ અપનાવશે જેના લીધે અમેરિકાના સંબંધો એમના આ ક્ષેત્રના પારંપારિક મિત્ર દેશો સાથે તાણમાં આવ્યા હતા.