વોશિંગ્ટન, તા.૨૫
અમેરિકાના રાષ્ટ્‌પતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાથી બચવા માટે જંતુનાશક દવાઓ પીવાની આપેલી સલાહ ભારે પડી રહી છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં ટ્રમ્પે આવુ કહ્યા બાદ ન્યૂયોર્કમાં છેલ્લા ૧૮ કલાકમાં એવા ૩૦ કેસ સામે આવ્યા છે જેમાં લોકોએ કથિત રીતે બ્લીચ, સફાઈ માટે વપરાતુ લાઈઝોલ કે ડેટોલ પી લીધુ હોય. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોઈઝન કંટ્રોલ સેન્ટર પાસે આવેલા આવા કેસમાં જોકે કોઈનુ મોત થયુ નથી અને કોઈને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી નથી. ટ્રમ્પની આ પ્રકારનું નિવેદન આપવા બદલ ભારે ટીકાઓ થઈ રહી છે ત્યારે તેમણે પોતાનુ નિવેદન ફેરવી તોળ્યુ છે. ટ્રમ્પે કહ્યુ છે કે, આ ગંભીર રીતે કરાયેલુ નિવેદન નહોતુ.હું તો પત્રકારો સાથે મજાક કરી રહ્યો હતો. હું મજાકમાં પૂછી રહ્યો હતો એ જોવા માટે કે શું થાય છે. દરમિયાન ડેટોલ અને લાઈઝોર બનાવનાર કંપનીઓએ એક નિવેદન બહાર પાડીને શુક્રવારે સાંજે કહ્યુ છે કે, અમારી પ્રોડક્ટ કોરોનાની સારવારમાં ઉપયોગી હોવાનુ કોઈ રિસર્ચ સામે આવ્યુ નથી. તેને પીવાની જરુર નથી. તેનાથી મોત પણ થઈ શકે છે.