(એજન્સી) વોશિંગ્ટન, તા.૯
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક મહત્ત્વપૂર્ણ નજીકના સહયોગી તથા વ્હાઈટ હાઉસ સ્ટાફના સચિવ રોબ પોર્ટરે પોતાની બે ભૂતપૂર્વ પત્નીઓ દ્વારા તેના પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ મૂક્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે પત્રકારોને જણાવ્યું કે પોર્ટરે બ્રિટનમાંથી પ્રકાશિત થતા એક અખબાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ બાદ રાજીનામું આપી દીધું છે. આ અખબારે તેમની બે ભૂતપૂર્વ પત્નીઓ કોલ્બી હોલ્ડર્નેસ અને જેનિફર વિલૂબી દ્વારા લગાવવામાં આવેલા ઘરેલું અત્યાચાર સંબંધી આરોપોને પ્રકાશિત કર્યા હતા. જો કે ૪૦ વર્ષીય પોર્ટરે આ આરોપોને નકારી કાઢ્યા છે. પોર્ટરે કહ્યું આ આરોપ સંપૂર્ણપણે ખોટા છે. મીડિયાને આપવામાં આવેલા ફોટો મેં લગભગ ૧પ વર્ષ પહેલાં લીધા હતા અને તેને આની સાથે કોઈ લેવા દેવા નથી. હું આ ખોટા દાવાઓને લઈને સંપૂર્ણપણે પારદર્શક અને સાચો છું. પરંતુ હું એક સમજી વિચારીને ઘડવામાં આવેલા આ અભિયાનમાં જાહેરમાં ફસાવા માગતો નથી. સ્ટાફ સચિવ તરીકે પોર્ટર ટ્રમ્પના ટેબલ સુધી જતા તમામ દસ્તાવેજોને જોવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યાં હતા.