પ્રમુખની ચૂંટણીમાં અત્યારસુધીની ગણતરીમાં બિડેનને ૨૩૮ જ્યારે ટ્રમ્પને ૨૧૩ બેઠકો મળી, પ્રેસિડેન્ટ બનવા માટે ૫૩૮માંથી ૨૭૦ બેઠકો જીતવી જરૂરી, ફ્લોરિડામાં ટ્રમ્પનો વિજય જ્યારે ન્યૂયોર્કમાં બિડેન જીત્યા

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બાદ રસાકસીભરી મતગણતરીમાં બિડેન સતત આગળ ચાલી રહ્યા છે ત્યારે ટ્રમ્પે મતગણતરી દરમિયાન ડેમોક્રેટ્‌સ તરફથી મતદાન કરાતું હોવાનો આરોપ મૂકીને પોતે જીતી ગયા હોવાનો દાવો કર્યો

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૪
અમેરિકામાં યોજાઇ રહેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મંગળવારે રાતે શરૂ થયેલી મત ગણતરી દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી સ્પર્ધા જામી છે. આ બધાની વચ્ચે જ હજુ મતગણતરી બાકી હતી અને જો બિડેન સતત ટ્રમ્પ કરતા પાતળી સરસાઇથી આગળ હતા તે દરમિયાન જ ટ્રમ્પે દાવો કરી દીધો હતો કે, તેઓ જીતી રહ્યા છે. વ્હાઇટ હાઉસથી પોતાના સંબોધનમાં ટ્રમ્પે સમર્થકોને જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામ અભૂતપૂર્વ રહ્યા છે અને આપણે જીતના માર્ગે આગળ વધી રહ્યા છીએ. ફ્લોરિડામાં અમે સારી જીત મેળવી છે. જીતના ઉલ્લાસમાં લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, અમે જીતની તરફ જઇ રહ્યા છીએ પરંતુ સાથે જ જો બિડેનના પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ કરવાને કારણે સુપ્રીમ કોર્ટમાં પણ જઇ રહ્યા છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારી ઇચ્છા છે કે, હવે મતદાન બંધ થવું જોઇએ તેથી અમે સુપ્રીમ કોર્ટમાં જઇ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, મતદાન જારી રાખીને મતગણતરીમાં મોટાપાયે ધાંધલી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાના સમર્થકોને સતર્ક રહેવાની પણ સૂચના આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના સમર્થકોને સંબોધન કરતી વેળાએ કહ્યું કે, આ એક પ્રકારનો દગો છે, અમે ચૂંટણી જીતવા જઇ રહ્યા છીએ એમ કહેવું વધારે પડતું નથી કે, અમે લગભગ જીતી જ ગયા છીએ. હવે અમારૂં લક્ષ્ય દેશની અખંડતાને સુરક્ષિત કરવાનું છે. અમે હવે મતદાન રોકવા માટે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જઇ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, અમે તમામ મતદાનને રોકવા માગીએ છીએ. અમે તેમને સવારે ચાર વાગ્યા સુધી કોઇપણ મતપત્રને શોધવા અને યાદીમાં સામેલ કરવા દેવા માગતા નથી. જ્યાં સુધી મારી વાત છે તો હું પહેલા જ જીતી ચૂક્યો છું. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં આ વખતે મતદાનના દિવસ પહેલાથી જ લાખો લોકો મેઇલઅથવા બેલેટ દ્વારા મતદાન કરી ચૂક્યા હતા. બેલેટ દ્વારા અત્યારસુધી ૯૩ મિલિયન એટલે કે, ૯.૩૦ કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે. જે ૨૦૧૬માં પડેલા કુલ ૧૩૮.૮ મિલિયનના બે તૃતિયાંશ છે. આ વર્ષે ૨૩૯ મિલિયન લોકો મતદાન કરવાને પાત્ર છે.
વ્હાઈટ હાઉના મહેમાનોને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. ટ્રમ્પે દાવો કરતા કહ્યું કે એકાએક બધું અટકી ગયું. આ અમેરિકાના લોકો સાથે છેતરપિંડી છે. આ આપણા દેશ માટે શરમજનક છે. અમે ચૂંટણીમાં વિજયની તૈયારીઓ કરી રહ્યા હતા. અમે નિખાલસ રીતે આ ચૂંટણી જીતી લીધી છે. જો કે ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયામાં શું ગોલમાલ થઈ છે તે અંગે કોઈ ટિપ્પણી કરી નહતી. યુએસના રાષ્ટ્રપતિની ગાદી મેળવવા માટે કોઈપણ પાર્ટીએ ૫૩૮ પૈકી ૨૭૦ ઈલેક્ટોરલ વોટ મેળવવા પડે છે. છેલ્લા અહેવાલ મુજબ જો બિડેનને ૨૩૮ તેમજ ટ્રમ્પને ૨૧૩ ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા.
ટ્રમ્પે અમેરિકાના નાગરિકોનો બહોળા સમર્થન બદલ આભાર માન્યો હતો. લાખો લોકોએ આ લોકશાહીના પર્વમાં ભાગ લીધો. અમે ભવ્ય ઉજવણી માટેની તૈયારી કરી રહ્યા હતા. તમામ સ્થળે અમારો વિજય થવાનો હતો તેમ ટ્રમ્પે જણાવ્યું હતું. જો કે વિપક્ષ દ્વારા સામ, દામ, દંડ ભેદ બધું જ અપનાવાયું છતા મહત્વના રાજ્યોમાં અમારો વિજય નિશ્ચિત જણાય છે. જો કે હવે અમે આ બાબતે કોર્ટના દરવાજા ખટખટાવીશું તેમ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. દરમિયાનમાં અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ જાહેર થવાને હજુ વાર છે, અને જાણકારોનું માનીએ તો આ ઈંતેજાર લંબાઈ શકે છે. જોકે, ટ્રમ્પે તો અત્યારથી જ પોતે ઉજવણીની તૈયારીઓ શરુ કરી દીધી છે તેવો દાવો કરી લીધો છે. ત્યારે સવાલ એ થાય કે અમેરિકાના સમય પ્રમાણે ટ્રમ્પે રાત્રે ૨ વાગ્યે કરેલો આ દાવો કેટલો સાચો છે? હજુ સુધી અમેરિકામાં કોઈ મીડિયા હાઉસે ટ્રમ્પને કે બિડેનને વિજેતા જાહેર નથી કર્યા. જે રાજ્યોમાં કાંટાની ટક્કર ચાલી રહી છે ત્યાં પણ હજુય લાખો બેલેટ્‌સ ગણવાના બાકી છે. જોકે, આ બધા વચ્ચે ટ્રમ્પે કોઈ વિગતવાર કારણ આપ્યા વિના જ પોતાની જીત જાહેર કરીને તમામ પ્રકારની મત ગણતરી અટકાવવામાં આવે તેવી માગ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી હતી. અમેરિકન કાયદા અનુસાર, કોઈપણ ચૂંટાયેલો નેતા મત ગણતરી રોકવાનો આદેશ આપી શકે નહીં. એક તરફ ટ્રમ્પ મત ગણતરી અટકાવવાની વાત કરી રહ્યા હતા, અને બીજી તરફ એરિઝોનામાં પોતાની સ્થિતિ મજબૂત બની રહી હોવાનો દાવો કરી રહ્યા હતા. ટ્રમ્પ જીતના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ તેમના હરિફ બિડેને પોતાના સમર્થકોને ધીરજ રાખવાની અપીલ કરી છે. બિડેને કહ્યું હતું કે આ ચૂંટણી કોણ જીતી રહ્યું છે તે હું કે ટ્રમ્પ હાલના તબક્કે ના કહી શકીએ. આ નિર્ણય અમેરિકાની પ્રજાનો છે, અને હું તેના પરિણામ અંગે આશાવાદી છું. ટ્રમ્પ મત ગણતરી અટકાવવા ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી તો બિડેનના પ્રવક્તાઓ તરફથી પણ તુરંત જ પ્રતિક્રિયા આવી હતી કે જો ટ્રમ્પ આમ કરશે, તો અમારી લીગલ ટીમ પણ તેમનો મુકાબલો કરવા માટે તૈયાર છે.