અમદાવાદ, તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને તેના રૂટને લઇ ભારે દ્વિધાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે આજે શહેરના મેયર બીજલ પટેલે સમગ્ર રૂટના મામલે ફરી એકવાર સ્પષ્ટતા કરી રૂટનો માર્ગ જાહેર કર્યો હતો. આજે મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને મોદીના રોડ શોનો રૂટ એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ અને ત્યાંથી એરપોર્ટ થઈ ઈન્દિરાબ્રીજ થઈ મોટેરા સુધીનો જ છે. રોડ શોની તૈયારીઓ એરપોર્ટ, ડફનાળા થઈ ગાંધીઆશ્રમ તરફના રોડ પર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તા.૨૪મી ફેબ્રુઆરીએ એરપોર્ટથી રોડ શો કરી સીધા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જવાના છે. જો કે, સંભવિત તૈયારીઓને જોતા ટ્રમ્પ અને મોદીનો રોડ શોનો કાફલો સુભાષબ્રિજથી યુ ટર્ન મારી પરત એરપોર્ટ તરફ આવશે અને ત્યાંથી ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા જશે. મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્‌વીટ કરેલા વીડિયોમાં એરપોર્ટથી મોટેરાના રસ્તે સાંસ્કૃતિક ઝાંખી કરાવતો ભવ્ય રોડ શોનો ઉલ્લેખ છે. પરંતુ ગાંધી આશ્રમનો કોઈ જ ઉલ્લેખ નથી એટલે એરપોર્ટથી કયા રસ્તે મોટેરા રોડ-શો કરવા જશે એ મામલે અસમંજસ થઈ હતી.
રોડ-શોના રૂટ પર કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ ૨૮ જેટલા સ્ટેજ બનાવવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. રોડ-શોને ભવ્ય બનાવવા માટે સમગ્ર રૂટ પર સુશોભનની તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આમ, રૂટને લઈ કાર્યક્રમમાં આવનાર મહાનુભાવોની સાથે સાથે ખુદ શહેરીજનોમાં પણ અસમંજસતા પ્રવર્તી રહી છે.