(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૮
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીવલેણ કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવામાં દેશના લોકોને સહાય કરવા અને અમેરિકી અર્થતંત્રને બચાવવા માટે શુક્રવારે અત્યાર સુધીના સૌથી મોટા ૨.૨ ટ્રિલિયન ડોલરના આર્થિક રેસ્ક્યુ પેકેજ વિધેયક પર હસ્તાક્ષર કર્યા છે. આ રાહત પેકેજ અમેરિકન અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનની ભરપાઇ કરશે. લોકોને આ પેકેજમાંથી બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે. કોરોના વાયરસ મહામારીએ અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે અને એક લાખથી વધુ લોકો તેના સપાટામાં આવી ગયા છે. અગાઉ, સેનેટ અને પ્રતિનિધિ સભા દ્વારા આ વિધેયક પાસ કરવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમણે અમેરિકી ઇતિહાસના સૌથી મોટા આર્થિક રાહત પેકેજ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે હું ડેમોક્રેટ અને રિપબ્લિકન્સને એકસાથે આવવા અને અમેરિકાને પ્રાથમિકતા આપવા તેમ જ અમેરિકન્સને ‘પ્રથમ’ રાખવા બદલ તેમનો આભાર માનું છું. ૨.૨ ટ્રિલિયન ડોલરના કાયદાથી મોટાભાગના અમેરિકનોને ૧૨૦૦ ડોલરની સરકાર દ્વારા ચુકવણીને ઝડપી બનાવશે અને બેરોજગાર બનેલા લાખો લોકોને મળતા લાભો વધારશે. આ કાયદાથી નાના અને મોટા ઉદ્યોગોને લોન અને ગ્રાન્ટ્‌સ તેમ જ કરવેરામાં રાહત મળશે.