(એજન્સી) વૉશિંગ્ટન,તા.૨૫
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઘૂસણખોરી કરતા ઇમિગ્રન્ટ્‌સને તાત્કાલિક બહાર કાઢવાના આદેશ આપ્યા છે. આ અંગે રવિવારે ટ્રમ્પે ટ્‌વીટ કરી હતી. જેમાં દેશમાં જે નાગરિકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે તેઓને જ્યૂડિશિયલ પ્રોસેસ વગર જ પરત મોકલી દેવા જોઇએ તેવા આદેશ આપ્યા છે.આજે સોમવારે ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં કાયદેસર રીતે પ્રવેશ મેળવવા ઇચ્છતા નાગરિકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. તેઓને અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અન્યાય કરી રહી છે. ટ્રમ્પ અને તેઓની રિપબ્લિક પાર્ટી છેલ્લાં બે અઠવાડિયાથી ઇમિગ્રન્ટ પોલીસીના કારણે વિવાદમાં છે. આજે ટ્રમ્પે વધુ એક વખત મેરિટ બેઝ્‌ડ ઇમિગ્રેશન સિસ્ટમ લાવવાનું દબાણ કર્યુ છે. હાઇ સ્કિલ્ડ ઇન્ડિયન-અમેરિકન્સ જેઓ H-1B વર્ક વિઝા લઇને અમેરિકામાં આવે છે, તેઓ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરતા હોય છે. અમેરિકાની હાલની ઇમિગ્રેશન સિસ્ટમ અનુસાર, ગ્રીન કાર્ડ અથવા લીગલ પીઆર માટે પ્રતિ દેશને સાત ટકા જ ક્વોટા અલોટમેન્ટ મળે છે. પરિણામે, હાઇ-સ્કિલ્ડ ભારતીયોને ગ્રીન કાર્ડ માટે અંદાજિત ૭૦ વર્ષ સુધી રાહ જોવી પડે છે.