(એજન્સી) તા.૩
અમેરિકાના મોટાભાગના શહેરોમાં જ્યોર્જ ફ્લોઈડ અશ્વેતની મોતના વિરોધમાં ફાટી નીકળેલી હિંસાને પગલે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ રોષે ભરાયા હતા. જો કે, આગામી મહિનાઓમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને એવામાં આ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ માટે દેખાવો ચિંતાનું કારણ બની ગયા છે.
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના શહેરોના ગવર્નરોને દેખાવોને કાબૂમાં લેવા માટે કહ્યું હતું અને કહ્યું હતું કે હું સેના મોકલવા પણ તૈયાર છું. આ દરમિયાન ટ્રમ્પે દેખાવકારોને લૂઝર તથા માથાફરેલાં પણ કહી દીધા હતા. જોકે અમેરિકી ટ્રમ્પના આવા નિવેદનને કારણે મોટી સંખ્યામાં દેખાવકારો ફરીવાર માર્ગો પર ઊતરી આવ્યા હતા. ટ્રમ્પે ધમકી પણ આપી હતી કે જો ગવર્નરો દેખાવકારોને કાબૂમાં નહીં કરી શકે તો હું સેનાને શહેરોમાં ઊતારવા પણ તૈયાર છું. અત્યાર એવા અહેવાલ મળી રહ્યાં છે કે હજારોની સંખ્યામાં સૈનિકોને શહેરોમાં ટ્રમ્પે ઊતારી પણ દીધા છે. ન્યુયોર્ક શહેરમાં પણ દેખાવકારોને કાબૂમાં લેવા માટે નેશનલ ગાર્ડ મોકલવામાં આવે તેવી ટ્રમ્પે ટિ્‌વટ કરી હતી. તેમણે લખ્યું હતું કે માથાફરેલાઓ અને લૂઝરો કાબૂમાં નથી આવી રહ્યાં. જલદી કાર્યવાહી કરો.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડનું પોલીસના હાથે મોત થયા બાદ ૮ દિવસથી દેખાવો ચાલી રહ્યાં છે. મોટી સંખ્યામાં સુરક્ષાદળ તૈનાત કર્યા બાદ હિંસામાં ઘટાડો થયો છે. જોકે દેશના ઘણા રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે હાલ પણ દેખાવો ચાલી રહ્યાં છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે મારી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન બાદ અશ્વેત સમુદાય માટે સૌથી વધુ કામ કર્યું છે.
તેમણે કહ્યું કે અશ્વેતોના કોલેજોના ફન્ડ માટે ગેરન્ટી આપી, ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ લાવવામાં આવ્યું. દેશમાં અશ્વેતોમાં બેરોજગારી, ગરીબી અને અપરાધ દર સૌથી ઓછો છે. તેમણે ડેમોક્રેટસના જો બિડેન પર છેલ્લા ૪૦ વર્ષમાં અશ્વેતો માટે કઈ ન કરવાનો આરોપ પણ લગાવ્યો. દેખાવોને જોતા દેશના ૪૦ શહેરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. લોસ એન્જલ્સમાં કર્ફ્યુ લાગુ થયા બાદ નેશનલ ગાડ્‌ર્સની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે દેખોવો કરવામાં આવ્યા. વિરોધ કરી રહેલા લોકો પોલીસ મુખ્યાલય અને સિટી હોલની સામે મોટી સંખ્યામાં એકત્રિત થયા. પોર્ટલેન્ડમાં ૧૦ હજારથી વધુ લોકોએ દેખાવો કર્યા હતા. આ દરમિયાન સિઅટલે કર્ફ્યુને ૬ જૂન સુધી વધારવાની જાહેરાત કરી. ન્યુયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ પણ તેને ૭ જૂની સુધી વધારવાનો નિર્ણય કર્યો. ઘણા રાજ્યો પણ આ અંગે વિચાર કરી રહ્યાં છે. ઘણાં રાજ્યોમાં પોલિસે વિરોધ કરી રહેલા લોકો પર કેમિકલ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો. પોલિસનું કહેવું છે કે તેઓ લૂટ અને હિંસા રોકવા માટે આમ કરવા મજબૂર છે. જ્યારે દેખાવકારોનું કહેવું છે કે પોલીસ જાણી જોઈને આમ કરી રહી છે. દેશના ઘણા હિસ્સામાંથી આવા વીડિયો ફુટેજ અને તસ્વીરો પ્રકાશમાં આવ્યા છે, જેમાં પોલીસ રબર બુલેટ અને ટીઅર ગેસ છોડતી જોવા મળી રહી છે. નોર્થ કેરોલિનામાં દેખાવકારોને હટાવવા માટે કેમિકલ એજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં દેખાવકારોની એઆર રાઈફલ અને ૩૦ રાઉન્ડ મેગેઝીનની સાથે ધરપકડ કરવામાં આવી.