અમદાવાદ,તા.ર૧
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે આખી ગુજરાત સરકાર છેલ્લા એક મહિનાથી કામે લાગી છે, અગાઉ નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હતા, પરંતુ છેલ્લા ૨૪ કલાકથી ચિત્ર અસ્પષ્ટ થયું છે અને ટ્રમ્પ ગાંધી આશ્રમ આવવાને બદલે મોટેરા સ્ટેડિયમથી સીધા આગ્રા તાજમહેલ જોવા જશે તે પ્રકારની માહિતી મળી રહી છે ત્યારે ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત અંગે અમેરિકી અધિકારીઓ અને ગુજરાત સરકાર પણ હાલમાં કોઈ સ્પષ્ટતા કરી રહી નથી, પરંતુ ટ્રમ્પ જો ગાંધી આશ્રમ ન આવે તો સૌથી વધુ રાજી આશ્રમના સંચાલકો થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
અમદાવાદના સાબરમતિમાં આવેલા વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમ (સાબરમતિ આશ્રમ) પ્રિજર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ હેઠળ આવે છે. ગાંધી આશ્રમ જોવા માટે દેશ અને દૂનિયામાંથી લાખો લોકો આવે છે. ગાંધીને આદર આપનાર લોકો માટે ગાંધી આશ્રમ કોઈ મંદિર કરતાં પણ પવિત્ર જગ્યા છે. દોઢ દાયકા જેટલો સમય ગાંધીનું ઘર રહેલું હૃદયકુંજ જોવા જ્યારે લોકો આવે છે ત્યારે તેમને એક જુદી જ આધ્યાત્મિક્તાનો અનુભવ થાય છે. અનેક લોકો હૃદયકુંજની બહાર રહેલા ખુલ્લા મેદાનની માટી માથે ચઢાવે છે. જોકે ટ્રમ્પની મુલાકાત પહેલા આશ્રમની સમીક્ષા કરવા આવેલા ભારત અને અમેરિકન સરકારના અધિકારીઓએ હૃદયકુંજ સામે રહેલી માટીને જોયા પછી કહ્યું કે, ટ્રમ્પને માટી પસંદ નથી, એટલે માટી જ્યાં પણ છે ત્યાં કાર્પેટ બીછાવી દેવામાં આવે કારણ કે ટ્રમ્પ માટી પસંદ કરતા નથી. સૂત્રોની જાણકારી પ્રમાણે આશ્રમના સંચાલકોએ ગોરા અને કાળા અધિકારીઓને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો કે, આ જ માટીનું મહત્વ છે, જે માટીમાંથી દેશની આઝાદી જન્મી છે. આ માટીનો સ્પર્ષ કરવા વિશ્વભરમાંથી લોકો અહીં આવે છે. જોકે આ સરકારી બાબૂઓને આ માટીનો અર્થ સમજાયો નહીં અને તેમણે કહ્યું, સાહેબનો આદેશ છે. સાહેબનો આદેશ છે તેનો અર્થ ગુજરાત સરકારના વર્ગ ચોથાના કર્મચારીને પણ ના પાડવાનો અર્થ નરેન્દ્ર મોદીને ના પાડવા બરાબર છે તેવું આશ્રમના સંચાલકોએ સ્વિકારી લીધું છે. છેલ્લા દસ દિવસથી ગાંધી આશ્રમ સરકારી આશ્રમ હોય તે રીતે પરિવર્તિત થઈ ગયો છે. છેલ્લા દસ દિવસથી ગાંધી આશ્રમ ગુજરાત સરકારનો આશ્રમ હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ટ્રમ્પના સ્વાગતની ગેલછામાં ભાન ભૂલેલા અધિકારીઓ આશ્રમને પુછ્યા વગર આડેધડ કામ કરવા લાગ્યા હતા. અનેક વખત આશ્રમના સંચાલકો તેમને રોકતા-ટોકતા પરંતુ તેની કોઈ અસર સરકારી બાબૂઓ પર પડતી ન હતી. આશ્રમના સંચાલકો છેલ્લા લાંબા સમયથી આશ્રમની પવિત્રતા અને તેની મહાનતા જાળવવા સરકારી તંત્ર સામે લાચાર સાબિત થયા છે, પણ કદાચ આશ્રમ સંચાલકોને ટ્રમ્પે જ મદદ કરી હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પ ન આવે તો સૌથી વધુ રાજી થવાનું કારણ આશ્રમના સંચાલકો પાસે છે, કારણ કે આશ્રમ આશ્રમ નહીં રહેતા એક ભવ્ય સરકારી સ્થાન બની ગયું છે.