અમદાવાદ, તા.૧૪
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદવાદ યાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પ અને મોદી ભવ્ય રોડ શૉ પણ કરનાર છે તેમનું સ્વાગત કરવા અલગ- અલગ ધર્મના લોકો અને અનુયાયીઓ પણ રહેશે. આ રોડ શૉની તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે બેઠકોના દોર ચાલી રહ્યા છે. બેઠકમાં દરેક ધર્મના લોકો પરંપરાગત વેશભૂષા સાથે હાજર રહી ટ્રમ્પનું સ્વાગત કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ રોડ શૉમાં સેંકડો સંસ્થાઓ જોડાશે. દેશના અલગ-અલગ પ્રાંતોના લોકો પણ પહોંચી રહ્યા છે.
૫૦,૦૦૦થી વધુ લોકો ૨૨ કિલોમીટરના માર્ગમાં ટ્રમ્પ અને મોદીનું સ્વાગત કરશે. મેયર બિજલ પટેલે માહિતી આપતા કહ્યું છે કે, આ રોડ શૉ સૌથી લાંબો અને અભૂતપૂર્વ રહેશે. જુદી-જુદી જગ્યા પર સ્ટેજ પર અલગ-અલગ ગરબા અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શૉનો રૂટ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી એરપોર્ટ-હાંસોલ અને ઇન્દિરાબ્રિજ થઇને મોટેરા સ્ટેડિયમ આવશે. આને લઇને તંત્ર દ્વારા કોઇ કચાસ ન રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના આયોજનને લઇને માત્ર ભારત સરકાર નહીં બલ્કે અમેરિકી તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે.