અમદાવાદ, તા.૧૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે તેઓના આગમન પૂર્વે પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દેવાતા હવે અમદાવાદીઓમાં આ કામકાજ જોઇને ખુશી જોવા મળી છે.
રોડ રસ્તા સાફ સુતરા અને દરેક રૂટ પર ઝાડ વાવી દેતા એક અનોખી સિકલ અમદાવાદની જોવા મળી રહી છે. તંત્ર આમ તો આ રીતે કામગીરી નથી કરતું પણ પોતાના શહેરનું સારૂ બતાવવા માટે આ તૈયારીઓ કરી દેતા લોકોએ મેસેજોનો મારો શરૂ કર્યો છે. લોકો હવે એવું કહી રહ્યા છે કે, આટલા સારા કામો ટ્રમ્પ આવતા હોવાથી થાય છે જેથી વર્ષમાં એકાદ વાર ટ્રમ્પ આવે તો સારૂ, તંત્ર આ રીતે લોકોના ટેક્સના નાણાનો સારી રીતે ઉપયોગ કરી લોકોને ખુશ રાખી શકે. અમદાવાદ એરપોર્ટથી લઇ ઇન્દિરાબ્રિજ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમ સુધીના તમામ રસ્તાઓ પર રંગરોગાન કરાયું છે. જ્યાં-જ્યાં મેટ્રો રેલના પિલર બન્યા છે તેને પણ અલગ ડિઝાઇનથી રંગી દેવાયા છે. મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ પર તો નવા-નવા ઝાડ પણ લગાવી દેવાયા છે. આટલું જ નહીં ગરીબી છૂપાવવા માટે તંત્રએ ઝૂંપડપટ્ટીની બહાર દીવાલ ચણી દીધી છે જેથી હાલ અમદાવાદની ખૂબસૂરતી જોવા મળી રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ૧૩ કિલોમીટરનો રોડ શૉ યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધીઆશ્રમ જશે. આમ તો શહેરમાં આ રીતની કામગીરી તંત્ર નથી કરતું અને તેને કારણે લોકોને સમસ્યા સહન કરવી પડે છે. પણ હાલ શહેરમાં સારી વ્યવસ્થાઓ અને ખૂબસૂરતી જોવા મળતાં જ લોકોએ વર્ષે એક વાર ટ્રમ્પ આવે અને તંત્ર આવા વિકાસલક્ષી સારા કામ કરે તેવા મેસેજો વાયરલ કર્યા છે. આટલું જ નહીં અચાનક ટ્રમ્પને પીરાણા જવાની ઇચ્છા થાય તો રાતોરાત એએમસી પીરાણાનો કચરાનો ડુંગર હટાવી દે તેવા પણ મેસેજો વાયરલ થયા છે.