અમદાવાદ, તા.૧ર
મોટેરાના મોંઘેરા મહેમાન બનીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન કરવા આવવાના છે. ત્યારે ટ્રમ્પને સ્ટેડિયમ સુધી પહોંચવા માટે સિક્રેટ સિક્યોરિટી પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં બાય રોડ અને બાય હેલિકોપ્ટરથી સ્ટેડિયમ સુધી પહોંચશે. આ પ્લાન A મુજબ ટ્ર્‌મ્પ બાય રોડ મોટેરા સ્ટેડિયમ આવે તો તેઓ બીસ્ટ કારમાં હોટલથી મોટેરા સ્ટેડિયમ આવી શકે છે. જો બાય રોડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ આવે તો હોટલથી મોટેરા સ્ટેડિયમ સુધી ખાસ રોડ શોનું આયોજન કરવામાં આવશે. આ રોડ શો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુલેટ પ્રૂફ તથા તમામ દૃષ્ટિએ સુરક્ષિત બીસ્ટ કારમાં ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી તથા મોટેરા સ્ટેડિયમથી ગાંધી આશ્રમ અને હોટલ સુધી આ ગાડીમાં ફરશે. ટ્રમ્પની આ બીસ્ટ કાર અમદાવાદના રસ્તાઓ પર સરળતાથી ફરી શકે તે માટે રૂપિયા ૫૦ કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યાં છે.
યુએસ સિક્રેટ સિક્યોરીટીને જે પ્લાન આપવામાં આવશે તેમાં પ્લાન B મુજબ ટ્રમ્પના પર્સનલ હેલિકોપ્ટરથી મોટેરાના હેલિપેડ પર ઉતારવામાં આવી શકે છે. મોટેરામાં આ માટે કુલ બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. જેમાં ૬ જેટલાં હેલિકોપ્ટર એક સાથે ઉતરી શકે તેટલું મોટું બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં સુરક્ષાને લઈને સ્થાનિક પોલીસ, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ તથા ATS અત્યારથી જ સ્ટેન્ડ ટુ થઈ ગયા છે. હાલ ૩૦૦ જેટલાં પોલીસકર્મીઓ દિવસ-રાત સ્ટેડિયમ પાસે તહેનાત રહે છે.