(એજન્સી) તા.રર
અમેરિકાના ઇન્ફર્મેશન ટેકનોલોજી, ફાઇનાન્સ, હોસ્પિટાલિટિ જેવા સંખ્યાબંધ ઉદ્યોગોમાં નોકરીઓ મેળવવા ઇચ્છુંક ૨.૪૦ લાખો વિદેશીઓને અસર કરતાં H1-B પ્રકારના વર્ક વીઝા ઉપર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સોમવારે કેટલાંક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કરશે.
ફોક્સ ન્યૂઝ ચેનલને શિનાવેરા આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તે રવિવારે અથવા તો સોમવારે કેટલાંક પ્રકારના વર્ક વીઝાને લગતાં નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કરશે. જો કે, તે સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેમની યોજના અંતર્ગત જાહેર થનારા નિયંત્રણોના કારણે જે લોકો અગાઉથી જ વિવિધ વર્ક વીઝા ઉપર અમેરિકામાં કામ કરી રહ્યા છે તેઓને કોઇ અસર થશે નહીં.
નોન એગ્રિકલ્ચરલ કામચલાઉ એચ૨બી વીઝા, એક કંપનીમાંથી અન્ય કંપનીમાં મેનેજરોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપતા એલ-૧ વીઝા, ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશીઓને અપાતા એચ૧બી વીઝા સહિતની વિવિધ કેટેગરીના જુદા-જુદા વીઝાના નિયમો અંગે આવી રહેલાં નવા નિયમો અંગે પૂછતાં ટ્રમ્પે કહ્યું હતું કે, બહુ ઓછા લોકોને નોકરીઓ ગુમાવવી પડશે.
કેટલાંક કિસ્સામાં થોડાં લોકોને નોકરીઓ ગુમાવવી પડે, પરંતુ વાસ્તવમાં તમારે વિદેશી લોકોની ખરી જરૂર તો મોટા-મોટા ઉદ્યોગોમાં પડે છે અને ત્યાં તો તેઓ કામ કરે છે, તદઉપરાંત મોટા ઉદ્યોગોમાં તો વર્ષોથી વિદેશીઓનો પ્રવાહ ચાલુ જ રહ્યો છે.
એચ-૧બી વીઝા સહિત વિવિધ કેટેગરીના વીઝા જે વિદેશોને મળી ચૂક્યા છે તેઓને અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે ૧૮૦ દિવસના પ્રતિબંધનો સામનો કરવો પડે એવી શક્યતા છે એમ બ્લુમબર્ગ ન્યૂઝચેનલે તેના ૧૨ જૂનના અહેવાલમાં આ દરખાસ્ત સાથે નજીકથી સંકળાયેલા સાંસદોને ટાંકીને કહ્યું હતું. જે વિદેશીઓને અમેરિકામાં વિવિધ વીઝા ઉપર કામ કરવાની મંજૂરી મળી ગઇ છે અને હાલ તેઓ અમેરિકાની બહાર છે તો તેઓ નવો આદેશ રદ ન થાય ત્યાં સુધી અમેરિકામાં પ્રવેશ મેળવી શકશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પની આ દરખાસ્તથી સેંકડો કંપનીઓ અને કુલ ૨.૪૦ લાખ લોકોને અસર પહોંચાડશે. ૨૦૧૯ની સાલમાં ૧,૩૩૦૦ વિદેશીઓને એચ૧બી વીઝા આપવામાં આવ્યા હતા અને તેઓએ કંપનીઓમાં પ્રાઇમરી લેવલે કામ શરૂ કરી દીધું હતું. ૧૨૦૦૦ લોકોને એલ-૧ વીઝા અપાયા હતા અને ૯૮૦૦૦ કરતાં વધુ લોકોને એચ૨બી વીઝા અપાયા હતા. વીઝાની આ ત્રણ જ કેટેગરીને ધ્યાનમાં લઇએ તો પણ ટ્રમ્પની દરખાસ્તથી કુલ ૨.૪૦ લાખ વિદેશીઓને અસર થઇ શકે છે.