(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૯
પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી પાસે જમીનનાં કેસમાં ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગનાર કુખ્યાત ગોવા રબારીનાં બે સાગરીતોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ખંડણીખોરોએ ટ્રસ્ટીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીનો પૂર્વ એમ.ડી. ડો.જયેશ પટેલ હાલ દુષ્કર્મના કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામનાં કેદી તરીકે છે. ત્યારે તેની બીલ ગામની સીમમાં આવેલી સર્વે નં.૪૪૮ વાળી જમીન પર હાલ બાંધકામ ચાલું છે. જેનો વહીવટ તેની પુત્રી અને પારૂલ યુનિવર્સિટીની ટ્રસ્ટી પારૂલ પટેલ કરે છે. ગત ૧૭ જાન્યુઆરીનાં રોજ તેની જમીન પર ચાલી રહેલ બાંધકામ સ્થળે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કુખ્યાત ખંડણીખોર ગોવા રબારીનાં બે સાગરીતો અનુપ ઉર્ફે પપ્પુ લાખા ગઢવી (રહે. બી-૧૫, સિધ્ધાર્થ સોસાયટી, ન્યુ વી.આઇ.પી. રોડ) તથા લાલજી ભરવાડ (રહે. ભરવાડવાસ, આજવા રોડ) તેમના બે અન્ય સાગરીતો સાથે ત્યાં પહોંચ્યા હતા તેમજ અમારી જમીનમાં લેવડ-દેવડ બાકી છે. તેમ કહી ટ્રસ્ટી પારૂલબેન સાથે ફોન પર વાત કરી ખંડણી પેટે ૧ કરોડની માંગણી કરી હતી.
આ અંગે પારૂલબેન પટેલે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખંડણીખોર અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી અને લાલજી ભરવાડ સહિત ચાર જણાં સામે ગુનો નોંધી અનુપ અને લાલજી ભરવાડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.