(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ ત્રીજા તબક્કાની ટ્રાયલ વિના જ ભારત બાયોટેકની કોરોના વેક્સિનને ઉતાવળમાં મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકાર સામે સવાલ ઊભા કર્યા છે. કોવેક્સિનને મંજૂરી સામે કોંગ્રેસના અન્ય નેતા શશી થરૂર દ્વારા સવાલ ઉઠાવ્યાના બીજા દિવસે મનિષ તિવારીએ પણ પ્રશ્નો ઉભા કર્યા છે. તિવારીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે રોગચાળાનો રાજકીય દુરૂપયોગ કર્યો છે અને વેક્સિન અંગેનો વિવાદ નવો છે, કોણ પોતાની જાતે જ વેક્સિન લેશે તેની સામે વેક્સિને જ સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપની સરકારે ખોટી રીતે કંપનીઓને માન્યતા આપી દીધી છે અને આત્મનિર્ભર ભારત અભિયાનને પુરવાર કરવા માટે તેમણે ત્રીજા ટ્રાયલ વિના જ કોવેક્સિનને લીલી ઝંડી આપી દીધી છે. થરૂરે પણ સોમવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ત્રીજા ટ્રાયલ પહેલાં જ મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.