(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
હિન્દુ સમાજે અગ્નિની સાક્ષીએ લગ્ન કરવા કે નહીં ? સાત ફેરા ફરવા કે આઠ ફેરા ? આ બાબતો ધાર્મિક છે. તેમાં કોઈ વ્યક્તિ કે સરકારની દખલગીરી ચાલે નહીં. એ જ રીતે મુસલમાનોએ નિકાહ કઈ રીતે પઢવા ? તલાક કઈ રીતે આપવી ? તે ધાર્મિક મામલો છે તેનો નિર્ણય ઉલેમાઓ પર છોડવામાં આવે. સરકાર તેમાં હરગીઝ દખલગીરી ન કરે. સરકારનું કામ દેશમાં શાંતિ-સલામતી કોમી એકતાની ભાવના કઈ રીતે ઉજાગર થાય ? બેરોજગારી કઈ રીતે દૂર કરી શકાય ? સરહદોની રક્ષા કઈ રીતે કરવી ? પ્રજાની સમસ્યાઓનો નિકાલ કઈ રીતે કરવો, દેશની પ્રગતિ કઈ રીતે થઈ શકે ? નવી ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં કઈ રીતે કરવો ? ખેડૂતો કઈ રીતે સુખી થાય વગેરેનું છે. જે દરેક લોકો સારી રીતે સમજે છે. આથી સરકારે સંવેદનશીલ મુદ્દાઓ ઉખેડવાને બદલે પોતાની ખરેખર અદા કરવાની ફરજ છે તે નિભાવે તો સાચી દેશસેવા કરી ગણાશે.
આ લાગણીસભર અને સરકારને ઝંઝોળતા શબ્દો છે, વિશ્વ વિખ્યાત આલીમે દિન અને સિલસિલએ અશરફીયા ચશ્મો ચિરાગ હઝરત સૈયદ મુહમ્મદ કાસિમમિયાં અશરફીના કે જેમણે અમદાવાદની મુલાકાત દરમ્યાન ‘ગુજરાત ટુડે’ના માધ્યમથી સરકારને અપીલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં ફિરકાપરસ્તીને કોમવાદી માહોલ શાંતિપ્રિય લોકો માટે ચિંતાની બાબત છે. કારણ કે શાંતિ, સલામતી વિના કોઈપણ દેશ પ્રગતિ કરી શકતો નથી. જો પોતાના ઘરમાં શાંતિ કે સલામતિ ન હોય તો તે ઘરનો દરેક સભ્ય દુઃખી હશે, તે ઘરવાળા કદી આગળ વધી શકશે નહીં. એ જ રીતે જે શહેર રાજ્ય કે દેશમાં શાંતિ સલામતી ન હોય તે દેશ કઈ રીતે પ્રગતિ કરી શકે ? જેનામાં દેશપ્રેમની ભાવના હશે અને શાંતિપ્રિય હશે તે શખ્સ કદાપી નહીં ઈચ્છે કે મારા દેશમાં તોફાનો થાય કે અશાંતિ ફેલાય કે બે કોમ વચ્ચે ઝઘડા થાય. એક દેશદ્રોહી હશે તે જ તોફાનો, ઝઘડા અને અશાંતિ ફેલાય તેવા પ્રયત્નો કરશે. આથી દરેક ભારતવાસીએ કોઈના પણ બહેકાવામાં આવ્યા વિના માત્રને માત્ર દેશપ્રેમ ખાતર એકબીજા વચ્ચે નફરતની ખાઈ છે તે દૂર કરી મહોબ્બતથી એકબીજાને ગળે લગાડે અને દેશમાં શાંતિ-સલામતી સ્થપાય તે માટે પ્રયત્નો કરે.
આ દેશ ખૂબ જ તપસ્યા અને કુરબાનીઓથી આપણને પ્રાપ્ત થયો છે. સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સાથે અલ્લામા ફઝલેહક, અસ્ફાકુલ્લાખાન જેવા અનેક વીરોએ કુરબાની આપી છે. અલ્લામા ફઝલેહકે કાળાપાણીની સજા ભોગવી તો અસ્ફાકુલ્લાખાને મારા કફનમાં મારા દેશની માટી રાખવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આવો જુસ્સો અને દેશપ્રેમની ભાવના દરેક હિન્દુ-મુસ્લિમ ભારતીયોમાં હતી. આથી જ પોતાની જાતને સુપરપાવર માનતા અંગ્રેજોને પણ હિન્દુ-મુસ્લિમોએ પોતાની એકતા મહોબ્બતની તાકાતથી દેશને આઝાદ કરાવ્યો હતો અને આજે પણ આવી જ એકતા અને મહોબ્બતની તાકાતથી આપણો દેશ પ્રગતિ કરી શકે છે.
સૈયદ કાસિમમિયાં અશરફીએ મુસ્લિમ સમાજની નબળાઈઓ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે મુસલમાન ખૂબ જ જઝબાતી કોમ છે. તેમની ધાર્મિક લાગણી સાથે ચેડાં કરવા ખૂબ સહેલા છે. આ જ બાબતનો ગેરલાભ ઉઠાવી શાસક પક્ષ વારંવાર તેમની લાગણીને ઝંઝોળે છે. અને મુસ્લિમો ઉશ્કેરાઈ ન કરવાનું કરી બેસે છે. સરકાર આ જ તો ઈચ્છે છે કે મુસ્લિમો ઉશ્કેરાય રસ્તા પર ઉતરી આવે, પ્રેસ કોન્ફરન્સ કરે, ભીડ ભેગી કરે અને એકાદ આગેવાન જો સરકારની વિરૂદ્ધમાં બોલે કે અન્ય ધર્મના લોકોને ભાંડે તો દેશમાં કોમી તણાવ પેદા થશે. આમ સરકાર જે ઈચ્છતી હોય તેવું જ પરિણામ આવે છે અને બહુમતી પ્રજામાં મુસલમાનો વિરૂદ્ધ નફરત ફેલાવવાનો રસ્તો સાફ બને છે. આનો મતલબ એ નથી કે મુસલમાનોએ ચૂપ બેસી રહેવું જોઈએ. શરિયતમાં દખલગીરી હરગીઝ સાંખી લેવાય નહીં, પરંતુ તેના માટે વિરોધ કરવાની પણ રીત હોય, સરકારના હાથા બનીને નહીં પરંતુ સરકારનો મક્કમતાથી મુકાબલો કરી વિરોધ કરવો જોઈએ. તેમાં કોઈ ધર્મ કે કોમની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ઈસ્લામ કોઈપણ ધર્મને બૂરો કહેવાનું કે ગાળો ભાંડવાનુંં નથી શિખવતો. કેટલાક મૌલાનાઓ પણ તકરીરોમાં ધાર્મિક હુમલાઓ કરી લોકોની ભાવના ભડકાવે છે. એનાથી મુસ્લિમ સમાજના બૌદ્ધિકો અને આગેવાનોએ આગળ આવવું પડશે. બે કોમ વચ્ચે મહોબ્બત કઈ રીતે વધે તે માટે અસરપરસ ચર્ચા કરવાની જરૂર છે. હવામાં પ્રદૂષણ થતું અટકાવવા વૃક્ષો વાવવા પડે, શરીરમાં ઝેરની અસર દૂર કરવા દવા કરાવવી પડે એ જ રીતે વિચારોમાં ઘર કરી ગયેલું ઝેર બૌદ્ધિકો સાથે ચર્ચા કરી દૂર કરી શકાય. હવે જુસ્સાપૂર્વક તકરીરો કરી નારા લગાવવા, વાહ વાહ મેળવવા કે ટુચકાઓ કહેવાનો સમય નથી, પરંતુ દેશમાં શાંતિ સલામતી કે કોમી એકતા કેમ સ્થપાય તે અંગે નક્કર પગલાં ભરવાની જરૂરી છે.
ટ્રિપલ તલાક મુદ્દે કોંગ્રેસ બેવડું વલણ છોડી ખૂલીને વિરોધ કરે
ટ્રિપલ તલાક અંગે લોકસભામાં નરમ વલણ અપનાવનાર કોંગ્રેસને ચેતવણી આપતા સૈયદ કાસિમમિયાં અશરફીએ જણાવ્યું છે કે કોંગ્રેસે આ મુદ્દે લોકસભામાં જે પ્રકારનો નામ માત્રનો વિરોધ દર્શાવ્યો તે ખેદજનક છે. હવે રાજ્યસભામાં જો આવું જ વલણ જારી રહેશે તો હવે મુસ્લિમ સમાજે વિચારવા મજબૂર થવું પડશે. મુસ્લિમોને જે પ્રકારે ન્યાય અપાવવો જોઈએ તે અપાવવાનેે બદલે કોંગ્રેસે આંખ આડા કાન કર્યા છે. આથી મુસ્લિમ સમાજ કોંગ્રેસથી નિરાશ થયો છે આથી કોંગ્રેસને તેનું આ બેવડું વલણ ભારે પડી શકે છે. જેથી તેણે વિચારવાની જરૂર છે.
Recent Comments