(એજન્સી) તા.રર
ટ્રિપલ તલાક બિલ પર પ્રતિબંધની માગણી સાથે જ્યારે દેશભરની મુસ્લિમ મહિલાઓ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવે છે ત્યારે ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ લગભગ ૧પ૦૦૦ મુસ્લિમ મહિલાઓએ નાગપુરમાં રેલી નીકાળી હતી. હિજાબમાં સજ્જ આ મહિલાઓના હાથમાં પ્લેકાર્ડસ હતા જેમાં લખવામાં આવ્યું હતું કે ‘શરિયતના કાનૂનમાં અમે સુરક્ષિત છીએ.’
મહિલા પેનલની વકતાઓએ રેલીને સંબોધતા શ્રોતાગણને સમાન નાગરિક ધારો લાગુ કરવાના ષડયંત્રના વિરોધમાં આગળ આવવાની હાકલ કરી. ટ્રિપલ તલાક પરના પ્રતિબંધને સમાન નાગરિક ધારો લાગુ કરવાનો પ્રથમ પગલું ગણાવવામાં આવ્યો. આ રેલીમાં ચેતવણી આપવામાં આવી કે મુસ્લિમોની લાગણીઓ દુભાવવા બદલ શાસક પક્ષને ભોગવવું પડશે. એક વક્તાએ એવી ચેતવણી આપી કે ભવિષ્યમાં બહુપત્નીત્વ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રેલીમાં હાજર રહેલી મોટાભાગની મહિલાઓએ આ વાતમાં સૂર પુરાવ્યો કે તેઓ ધાર્મિક બાબતોમાં કોઈની પણ દખલગીરી સ્વીકારશે નહીં. નાગપુર પહેલાં આ પ્રકારની રેલી માલેગાવમાં પણ નીકાળવામાં આવી હતી.
એ.આઈ.પી.એમ.એલ.બી.ના કાર્યકારી સભ્ય મોનિશા બુશરાએ કહ્યું કે ભાજપ સરકાર તેનો એજન્ડા લાગુ કરવામાં કાર્યરત છે. જેમાં રામ મંદિર નિર્માણ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવું અને સમાન નાગરિક ધારો લાગુ કરવું આ ત્રણ બાબતો સામેલ છે. મુસ્લિમોએ આ દેશ પર વર્ષો સુધી શાસન કર્યું છે. એ સમયે દેશમાં ઈસ્લામિક કાનૂન પ્રચલિત હતો જ્યારે બ્રિટિશરો આવ્યા ત્યારબાદ આ ઈસ્લામિક કાનૂન અમારી અંગત બાબતો સુધી મર્યાદિત થઈ ગયો. હવે સરકાર જાતિ સમાનતાના નામે અમારા અંગત કાયદાઓમાં દખલગીરી કરવા માંગે છે. આ અનિચ્છનિય છે કારણ કે ઈસ્લામમાં સ્ત્રીઓને સૌથી ઊંચા દરજ્જાની પ્રાથમિકતા આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ વિશે તેમની ચિંતા માત્ર ઢોંગ છે. અમે ર૦૦રના રમખાણોને કેવી રીતે ભૂલી શકીએ જ્યારે મુસ્લિમ મહિલાઓ સાથે બળાત્કાર અને હત્યાઓ કરવામાં આવી હતી. જો વડાપ્રધાન મોદી માટે ટ્રિપલ તલાકની વ્યવસ્થા હોત તો તેમણે તેમની પત્નીને આમ જ ન ત્યજી દીધી હોત. આના બદલે મોદીના પત્નીએ તલાક લઈ નવેસરથી પોતાનું જીવન શરૂ કર્યું હોત. તેમણે દાવો કર્યો કે ફકત ર૦૦૦ મુસ્લિમ મહિલાઓને તલાક આપવામાં આવી છે જ્યારે તેમના પતિઓ દ્વારા ત્યજી દેવાયેલી હિન્દુ મહિલાઓની સંખ્યા ર૪ લાખ જેટલી છે.
આ રેલીમાં હાજર રહેલા વક્તાઓએ આ વાત પર ભાર મૂક્યો કે કેવી રીતે ટ્રિપલ તલાક મહિલાઓના હિતને નુકસાન કરવાને બદલે તેમના માટે ફાયદાકારક છે. આ ઉપરાંત શરિયતમાં ખુલાનો પણ કાયદો છે જે મહિલાઓને તેની તરફથી લગ્ન વિચ્છેદની પરવાનગી આપે છે. બુશરાએ કહ્યું હતું કે જો એકવાર સમાન નાગરિક ધારો અમલમાં આવી ગયો ત્યારબાદ છૂટાછેડા મેળવવા માટે મહિલાઓએ વર્ષો સુધી કોર્ટના આદેશની રાહ જોવી પડશે. અર્જુમંદ બાનો નામની એક મહિલાએ કહ્યું હતું કે મુસ્લિમો શરિયતના કાયદા સિવાય કોઈ કાયદાથી બંધાયેલી નથી. ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાની અરજી દાખલ કરનાર મહિલા ઈશરત જહાંનો ઉલ્લેખ કરતાં અર્જુમંદે કહ્યું ઈસ્લામિક કાયદામાં છૂટાછેડાને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. પરંતુ તેને મુશ્કેલભર્યું લગ્નજીવનનો અંત લાવવાના માર્ગ તરીકે જોવામાં આવે છે. એકવાર છૂટાછેડા થઈ જાય પછી તેને રદ નથી કરી શકાતા. જો છૂટાછેડા લીધેલ મહિલા તેના પતિ પાસે પાછી જાય તો તે વ્યાભિચાર ગણાય છે. કેટલાક લોકો આવા લગ્નોને કોર્ટ દ્વારા કાયદેસર ગણાવવા માંગે છે.