(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
રાજસ્થાનના સિકર જિલ્લામાં ટ્રિપલ તલાક બિલના વિરોધમાં સોમવારે સેંકડો મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ રેલી શહેરના ઈદગાહ ચોકથી શરૂ થઈ કલેકટર કચેરીએ પહોંચી હતી. આ વિરોધ રેલીમાં મહિલાઓએ બેનર અને પ્લેકાર્ડ સાથે મુસ્લિમ મહિલાઓના (લગ્નના હકોના રક્ષણ) બિલને પરત ખેંચી લેવાની માગણી કરી હતી. અધિ જિલ્લા કલેકટર જયપ્રકાશ ચૌધરીએ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલ મુસ્લિમ મહિલાઓના હકો અંગેનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. મુસ્લિમ મહિલાઓ દ્વારા ટ્રિપલ તલાક બિલનો આ વિરોધ પ્રદર્શન પ્રથમ વખત નથી. આ અગાઉ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા ૧૦ માર્ચના રોજ પુણેમાં અને મહારાષ્ટ્રમાં હજારો મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક બિલ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનો કર્યા છે. લોકસભામાંથી પસાર થયેલ ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં કાયદો બનતો અટકાવવા ૭મી માર્ચે કોલકાતા સ્ટ્રીટમાં મુસ્લિમ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા ટ્રિપલ તલાક બિલને મુસ્લિમ મહિલાઓ માટે વધુ કષ્ટદાયક અને પરિવારોને નષ્ટ કરી દેનાર સાબિત થશે તેથી તેને પરત ખેંચી લેવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા ટ્રિપલ તલાક બિલમાં હવે કેટલાક ફેરફારોની માગણી કરવામાં આવી છે. જેમાં ટ્રિપલ તલાક બિલનો દુરૂપયોગ અટકાવવો અને પતિ-પત્ની વચ્ચે સમાધાનની કલમનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લૉ બોર્ડના સભ્ય સાઈસ્તા અંબરે જણાવ્યું કે, જો કે આ બિલ યોગ્ય દિશામાં છે તે અપૂર્ણ છે અને તાકીદે ઘડાયેલું હોવાનું જણાય છે. એઆઈએમપીએલબીના સાઈસ્તા અંબરે જણાવ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રમાં લખીને જણાવ્યું છે કે ટ્રિપલ તલાક બિલની જોગવાઈઓમાં કેટલાક જરૂરી સુધારાઓ કરવાની જરૂર છે.