નવી દિલ્હી, તા. ૫
સંસદના શિયાળુ સત્રનો આજે અંત આવતા રાજ્યસભા મોકૂફ રાખવામાં આવી હતી જે સાથે જ આ મહિનાના અંતમાં બજેટ સત્ર દરમિયાન ટ્રિપલ તલાક બિલને મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપ બંનેએ પોતાના રાજ્યસભા સાંસદોને જો બિલનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવા સમય માટે વ્હીપ જારી કર્યો હતો. જોકે, રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલનીચર્ચા થવાની હતી પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠ ન ઉકેલાતા ટ્રિપલ તલાક બિલ અંગેચર્ચા થઇ શકી નહોતી. રાજ્યસભામાંટ્રિપલ તલાક બિલને પસાર કરાવવા માટે સરકાર વિપક્ષને વિશ્વાસમાં લેવામાં નિષ્ફળ ગઇ હતી જ્યાં તે લઘુમતીમંાં છે. કોંગ્રેસ સહિતના એકજૂટ વિપક્ષે સતત આ બિલને સંસદીય સમિતીને મોકલવા માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રિપલ તલાક બિલમાં સરકારે એવી જોગવાઇ કરી છે કે, જો કોઇ મુસ્લિમ પુરૂષ તેની પત્નીને એક સાથે તલાક આપે તો તેને ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવે. સરકારે આ દરમિયાન એવું કહ્યું કે સુપ્રીમ કોર્ટે જ્યારે આ પ્રથાને ગેરબંધારણીય ગણાવી છે ત્યારે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે આ કાયદો જરૂરી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સાંસદોને વિનંતી કરી હતી કે, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દરરોજ ટ્રિપલ તલાકના બનાવો બનતા રહે છે જેથી તમામ લોકો આ બિલને પસાર થવા દે. જોકે, કોંગ્રેસ સહિતના વિપક્ષ ઉપરાંત હંમેશા ભાજપને ખરડાઓ પસાર કરવામાં સાથ આપતા તેલુગુદેશમ પાર્ટી અને એઆઇએડીએમકે જેવા પક્ષોએ પણ આ બિલને સંસદીય સમિતી સમક્ષ મોકલવા માગણી કરતા સરકાર ભીંસમાં મુકાઇ ગઇ હતી. તમામ પક્ષોએ જેલની સજાની જોગવાઇ સામે વાંધો ઉઠાવી તેમાં ફેરબદલ કરવાની અપીલ કરી હતી. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે, જો આ કાયદો બનશેતો તેનો દુરૂપયોગ થશે અને ખોટી રીતે મુસ્લિમ પુરૂષની ધરપકડ પણ કરાવવામાં આવી શકે છે. જોકે, સરકાર આ બિલને સંસદીય સમિતીને મોકલવાની વિપક્ષની માગને માનવા તૈયાર નથી. તેમણે રાજ્યસભામાં ધાંધલ મચાવનાર કોંગ્રેસ પર લોકસભામાં કેમ આ મુદ્દો ન ઉઠાવ્યો તેમ કહી બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ મુક્યો હતો. કોઇપણ ચિંતાજનક મુદ્દો હશે તો ગૃહમાં ચર્ચા કરાશે. કોંગ્રેસ આ મુદ્દાને ગેરમાર્ગે દોરવા માગે છે. તેઓને મુસ્લિમ મહિલાઓની મદદ માટે કાંઇ પડી નથી.

ટ્રિપલ તલાક બિલને લઇ મર્યાદિત વિકલ્પો રહ્યા

સંસદના શિયાળુ સત્રની આજે પૂર્ણાહૂતિ થઇ હતી. આજે ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયા બાદ રાજ્યસભામાં અટવાઈ પડ્યું છે. તેના ભાવિને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે. રાજ્યસભામાં બિલ પેન્ડિંગ હોવાના કારણે સરકારની પાસે તેને કાયદાકીયરીતે રજૂ કરવા માટે ખુબ ઓછા વિકલ્પ રહી ગયા છે. આ બિલના ભવિષ્યના સંદર્ભમાં પૂછવામાં આવતા રાજ્યસભાના પૂર્વ મહાસચિવ વીકે અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, સરકારની પાસે એક વિકલ્પ છે તે વટહુકમ જારી કરીને આને અમલી બનાવી શકે છે. જો કે, આ વટહુકમ મારફતે આને અમલી કરવાની બાબત રાજ્યસભાનું અપમાન તરીકે હોઈ શકે છે. એક વખતમાં ત્રિપલ તલાકને અપરાધ જાહેર કરવાની જોગવાઈ ધરાવનાર બિલ શિયાળુસત્રમાં લોકસભામાં પસાર થયું હતું પરંતુ રાજ્યસભામાં વિપક્ષે સિલેક્ટ કમિટિને આ બિલને મોકલવાના મુદ્દે જિદ્દી વલણ અપનાવ્યું હતું જેના પરિણામ સ્વરુપે આને પસાર કરી શકાયું નથી. અલબત્ત સરકારે રાજ્યસભામાં આને ચર્ચા માટે મુકી દીધું છે અને આ રાજ્યસભાની સંપત્તિ છે. તેમણે કહ્યું હતું કે, સામાન્યરીતે વટહુકમ એ વખતે લાવવામાં આવે છે જ્યારે સત્ર ચાલી રહ્યું હોતું નથી અને ગૃહમાં આને રજૂ કરવાની સ્થિતિ હોતી નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે ગૃહમાં બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે તેના ઉપર વટહુકમ લાવવાની બાબત ગૃહના પ્રત્યે સન્માનની સ્થિતિ તરીકે જોવામાં આવતા નથી. અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, સરકાર આને સિલેક્ટ કમિટિને મોકલી શકે છે. આવા દાખલા પણ છે કે, સિલેક્ટ કમિટિએ એક સપ્તાહની અંદર જ પોતાના રિપોર્ટ સોંપી દીધા છે. તેમણે કહ્યું હતું કે, સરકારની પાસે એક વિકલ્પ એ પણ હતો કે, વિપક્ષ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆત મારફતે સુધારા કરવામાં આવ્યા હોત.

સંસદનું બજેટ સત્ર ૨૯મીથી શરૂ : પહેલીએ બજેટ રજૂ થશે

સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આજે ભલામણ કરી હતી કે, સંસદનું બજેટ સત્ર ૨૯મી જાન્યુઆરીથી બોલાવવામાં આવશે. કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરાશે. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે પત્રકારો સાથે વાતચીત કરતા આજે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯મી જાન્યુઆરીના દિવસે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન કરશે. આર્થિક સર્વે એજ દિવસે રજૂ કરવામાં આવશે. સત્રના પ્રથમ તબક્કાનો ગાળો ૨૯મી જાન્યુઆરીથી ૯મી ફેબ્રુઆરી વચ્ચે રહેશે. રિશેષ બાદ સંસદ પાંચમી માર્ચથી છઠ્ઠી એપ્રિલ દરમિયાન ફરી મળશે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિ દ્વારા સત્રની તારીખો અંગે આજે ભલામણ કરવામાં આવી હતી. બજેટ સત્રને લઇને હાલમાં ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. અરુણ જેટલી વર્તમાન સરકારનું અંતિમ બજેટ રજૂ કરશે.