(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
પીએમએલએ ટ્રિબ્યુનલે ઈડીને વિવાદાસ્પદ ઈસ્લામી ધર્મ પ્રચારક ઝાકિર નાઈકની વિરૂદ્ધ દાખલ કરેલ કેસ સંદર્ભે જપ્ત કરાયેલ સ્થાવર સંપત્તિઓ ઉપર કબજો કરવા મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ ચુકાદા પછી એજન્સીએ અપીલ કરવાની વાત કરી છે. સુનાવણી દરમિયાન ઈડીને અપમાનનો સામનો પણ કરવો પડ્યો હતો.
ન્યૂઝ ૧૮ના અહેવાલ મુજબ ન્યાયિક ટ્રિબ્યુનલે આ મામલામાં તપાસને લઈ ઈડીની ઝાટકણી કાઢી હતી. જજ મનમોહનસિંહે નાઈકની જપ્ત કરાયેલ સંપત્તિને ઈડીને સોંપવા ઉપર ઈન્કાર કરતાં ઈડીના વકીલને કહ્યું હું એવા ૧૦ બાબાઓના નામો તમને જણાવી શકું છું જેમની પાસે ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે અને એમની સામે ફોજદારી કેસો ચાલી રહ્યા છે. શું તમોએ એમાંથી એકની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી છે ? તમોએ આસારામ સામે શું કર્યું છે ? અહેવાલો મુજબ ટ્રિબ્યુનલના ચેરમેને સ્વીકાર્યું કે ઈડીએ છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન આસારામની સંપત્તિ જપ્ત કરવા માટે કોઈપણ કાર્યવાહી કરી નથી પણ નાઈક બાબતે ઘણી ઝડપ બતાવી રહ્યા છે. વકીલને પૂછયું જ્યારે ચાર્જશીટમાં જ ઠરાવેલ ગુનાઓ દર્શાવ્યા નથી તો પછી સંપત્તિ જપ્ત કરવાના કયા આધારો છે ? આના પ્રત્યુત્તરમાં વકીલે કહ્યું કે નાઈકે યુવાઓને પોતાના ભાષણોથી ઉશ્કેર્યા છે. જજે કહ્યું કે ઈડીએ પ્રથમ દર્શનીય પુરાવાઓ અથવા ગેરરસ્તે ચડેલ યુવકનું નિવેદન રજૂ કર્યું નથી કે કઈ રીતે નાઈકના ભાષણો સાંભળ્યા પછી યુવકો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયા હતા. જજે પ્રશ્ન કર્યો તમોએ કોઈ યુવાનનું નિવેદન નોંધ્યું છે જે આ ભાષણોથી પ્રભાવિત થયા હોય ? તમારી ચાર્જશીટમાં તો આ પણ ઉલ્લેખ નથી કે ર૦૧પમાં ઢાકામાં કરાયેલ ત્રાસવાદી હુમલામાં સંડોવાયેલ આતંકીઓ બાબત આ ભાષણોની શું ભૂમિકા હતી. એવું જણાય છે કે, તમોએ પોતાની સગવડ માટે ૯૯ ટકા ભાષણોની અવગણના કરી છે અને ફકત ૧ ટકા ઉપર વિશ્વાસ મૂક્યો છે. જજે પ્રશ્ન કર્યો કે શું તમોએ ભાષણો વાંચ્યા છે જે ચાર્જશીટમાં સામેલ છે ? મેં આવા ઘણા બધા ભાષણો સાંભળ્યા છે અને હું તમને જણાવી શકું છું કે મને હજુ સુધી કંઈ વાંધાજનક જણાયું નથી. આ પછી ટ્રિબ્યુનલે સ્થિતિ જેમ છે તેમ જાળવી રાખવા આદેશ આપ્યો હતો અને ઈડીને નાઈકના ચેન્નાઈની શાળા અને મુંબઈના એક વાણિજ્યિક સંપત્તિનો કબજો લેવા મનાઈ ફરમાવી હતી.