અમદાવાદ, તા.૧૦
ગુજરાત હાઈકોર્ટે ટ્રેનમાં માંસાહારી અને શાકાહારી ભોજન આરોગનારા માટે અલગ બેઠક વ્યવસ્થા કે ટ્રેનના ડબ્બા કરવા માટે વકીલ ઈકબાલ એહસાન સૈયદની એક પી.આઈ.એલ. આજે નોટિસ કાઢ્યા વગર ધરાર રદ કરી નાંખી હતી ! આ અરજીમાં તેમણે પોતે શુદ્ધ શાકાહારી હોવાનું જણાવી અલગ બેઠક વ્યવસ્થાની માગણી કરેલી. આ પી.આઈ.એલ. ફાઈલ થયા બાદ ગમે તે કારણસર મીડિયાને પહોંચાડેલ અને ખૂબ પબ્લિસિટી મેળવેલ. પી.આઈ.એલ. આજે પ્રથમવાર બોર્ડ ઉપર પ્રગટ થયેલ ત્યારે ચીફ જસ્ટીસ અને જસ્ટીસ વિપૂલ પંચોલીની ખંડપીઠે સરકાર કે રેલવેને નોટિસ કાઢ્યા વગર જ કાઢી નાંખી છે. અત્રે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું દેશને શાકાહારી અને માંસાહારીમાં વિભાજિત કરવા એક સુનિયોજિત પ્લાન હેઠળ કાંકરી ચાળા થઇ રહ્યા છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૩૦ સપ્ટેમ્બરે વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, મુસાફરોને તેમની વેજ અને નોનવેજ કેટેગરી અનુસાર અલગ બેસાડવાનો નિર્દેશ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. તેમનું જણાવવું હતું કે, ટ્રેનમાં જ્યારે કોઈ શાકાહારી વ્યક્તિની બાજુમાં બેઠેલા મુસાફરને માંસાહાર પીરસવામાં આવે ત્યારે શાકાહારી મુસાફરને અગવડ પડે છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે પીઆઈએલમાં એડવોકેટ ઈકબાલ અહેસાન સૈયદે દાવો કર્યો હતો કે, તેઓ પોતે શુદ્ધ શાકાહારી છે અને તેઓ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમના કમ્પાર્ટમેન્ટમાં અન્ય પેસેન્જરને માંસાહાર પીરસવામાં આવ્યું હતું. તેમણે અરજીમાં દલીલ કરી હતી કે મૂળભૂત અધિકારોના આર્ટિકલ ર૧ અને રપ પ્રમાણે લોકોના ભોજનના અધિકારોનું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે.