(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
ઉનાળો શરૂ થતાની સાથે જ શહેરમાં તો પીવાના પાણીના બોટલો વેચનારાઓનો રાફડો તો ફાટી નીકળ્યો છે. તેની સાથે જ ટ્રેનોમાં પણ પીવાના પાણીની બોટલોનો વેપલો શરૂ થઇ ગયો છે. ઉનાળાની શરૂઆતમાં જ ટ્રેનોમાં પીવાના પાણીની ભારે માંગ રહેતી હોય છે. તેવામાં ટ્રેનોમાં રેલ નીરને બદલે અન્ય બ્રાન્ડની પીવાના પાણીની બોટલો વેચીને મુસાફરો પાસે તેની કિંમત કરતા વધુ પૈસા પડાવીને લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. મુસાફરોને ગુણવત્તાયુક્ત સસ્તુ પાણી પાડવાની રેલવેની રેલ નીરની યોજના શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. આઇઆરસીટીસીની ટીમે ફરિયાદોના અનુસંધાનમાં ગત ગુરૂવારે હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાં આ અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રેનના પેન્ટ્રી કારમાં અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખવામાં આવેલી અન્ય બ્રાન્ડની કુલ ૬૦ પાણીની બોટલો મળી આવી હતી. જેને આખરે જપ્ત કરાઇ હતી. નોંધપાત્ર છે કે, ટ્રેનો અને સ્ટેશનો પર ફક્ત રેલ નીર બ્રાન્ડની જ પાણીની બોટલો વેચવાની પરવાનગી છે. રેલવેના મુસાફરોને સસ્તી કિંમતે અને ગુણવત્તાયુક્ત પાણી આપવાનો હેતુ કેટલાક લોભિયા કર્મચારીઓના કારણે બહાર ન આવતા મુસાફરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આઇઆરસીટીસીની ટીમ દ્વારા હવે તમામ ટ્રેનોમાં પેન્ટ્રીકારમાં તેમજ રેલવે સ્ટેશનો પર આ અંગેની તપાસ હાથ ધરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. કસુરવારો સામે પગલા પણ ભરવાની પણ તૈયારી દર્શાવાઇ છે. ઉનાળાની ગરમીમાં મુસાફરોની લાચારી અને મજબુરીનો લાભ લઇને પાણીની ૧પ રૂપિયાની બોટલ ર૦ રૂપિયામાં વેચાતી હોય છે. ત્યારે લાંબી અંતરની મુસાફરી મુસાફરો માટે આર્થિક બોજા રૂપ તેમજ યાતનાસભર બની રહી છે.