(એજન્સી) ગાઝિયાબાદ, તા.૧૮
લોકડાઉનનાં ચોથા ચરણમાં સોમવારે ૧૮ મેના રોેજ હજારો શ્રમિકો ગાઝિયાબાદના રામલીલા મેદાનમાં ભેગા થયા હતા, યૂપીના અલગ અલગ વિસ્તારોમાં રહેતાં શ્રમિકો પોત પોતાના ઘરે જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં નોંધણી કરાવવા એકઠા થયા હતા. ત્યાંનું દૃશ્ય એવુ હતું કે, અલગ અલગ નોંધણી કરવાના ડેસ્કની આજુ બાજુ લોકો ટોળા વળીને ઊભા હતા અને ડેસ્કની આજુ બાજુમાં પોલીસનાં જવાનો ઊભા હતા. મોટા ભાગનાં શ્રમિકો પાસે આવકનો સ્ત્રોત નથી. ૨૫ માર્ચના રોજ લાગુ કરાયેલા પ્રથમ લોકડાઉનમાં બસો અને ટ્રેનો બંધ કરી દેતા દેશમાં અલગ અલગ જગ્યાએ હજારો શ્રમિકો ફસાઈ ગયા હતા અને પોતાના ઘરે જવાં ચાલતા નીકળી પડ્યા હતા. મે મહિનાની શરૂઆતમાં શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. જે હજી પણ ચાલુ છે. મેદાનમાં એકઠા થયેલા કામદારો ઉત્તરપ્રદેશ અને બિહારના જુદા-જુદા ભાગોમાં જનારા હતા. ભીડ એટલી બધી હતી કે કામદારો એકબીજા પર પડાપડી કરી રહ્યા હતા. ભીડ બેકાબૂ બની રહી હતી. તેમને સામાજિક અંતરનું અનુસરણ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું.