(એજન્સી) લખનૌ, તા.ર૩
શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહાર પહોંચી રહેલા સ્થળાંતરિત મજૂરોએ ટ્રેનોના વિલંબ અને ત્યાંની બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અંગે ફરિયાદ કરી હતી. આ મજૂરોએ વિરોધ નોંધાવતા રેલવે ટ્રેક બ્લોક કર્યા હતા અને આ અંગે જવાબદારી નક્કી કરવાની માગણી કરી હતી. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી બિહાર આવેલા મજૂરોએ મુખ્યમંત્રી નીતિશકુમાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની ટ્રેન દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન ખાતે ૧૦ કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. આ ટ્રેનમાં આવેલા મજૂર ધીરેન રોજે ફરિયાદ કરી હતી કે ગઈકાલે રાત્રે ૧૧ વાગે ટ્રેન અહીં આવી ત્યારથી ટ્રેન અહીં ઊભી છે. અમને બે દિવસથી ખાવાનું મળ્યું નથી અમે દરેકે આ યાત્રા માટે રૂા.૧પ૦૦ ચૂકવ્યા છે. મહારાષ્ટ્રના પનવેલથી ઉત્તરપ્રદેશના જૌનપુર જતી ટ્રેનને પણ વારાણસી ખાતે ૧૦ કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા મજૂરો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા. રેલવે પોલીસે દરમિયાનગીરી કરી મજૂરોને ખાવાનું પૂરું પાડતાં તેઓ શાંત થયા હતા. ત્યારબાદ આ ટ્રેન આગળ વધી હતી. શુક્રવારે સાંજે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ગુજરાતથી બિહાર જઈ રહેલા મજૂરોએ ઉત્તરપ્રદેશના કાનપુર જંકશને તેમને આપવામાં આવેલું ફેંકી દીધું હતું. મજૂરોએ આક્ષેપ કર્યો હતો કે તે ખાવાનું બગડી ગયું હતું. એક મજૂરે જણાવ્યું હતું કે, ટ્રેનના શૌચાલયમાં પાણી આવતું નથી. અમને આપવામાં આવેલી પૂરીઓ પણ ચાર-પાંચ દિવસની વાસી હતી. આથી અમે ખાવાનું ફેંકી દીધુ. ઉન્નાવ સ્ટેશને પણ આ પ્રકારની જ ઘટના બની હતી. બેંગ્લુરૂથી બિહાર આવી રહેલા મજૂરોએ ફરિયાદ કરી હતી કે ઉન્નાવ ખાતે ટ્રેનને અચાનક રોકી દીધા પછી તેમના માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
ટ્રેન ૧૦ કલાક મોડી પડતાં ખોરાક, પાણી વગર રોષે ભરાયેલા મજૂરો પાટા પર ઉતરી આવ્યા

Recent Comments