(એજન્સી) તા.ર૭
કોરોના મહામારીના વધતા પ્રકોપને જોતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલાઈઝ (એફડબ્લ્યુઆઈસીઈ)ના પ્રમુખ બીએન તિવારીએ હિન્દી સિનેમાના ટોચના અભિનેતાઓ અમિતાભ બચ્ચન અને સલમાનખાન પાસે મદદની માંગ કરી છે. સાથે જ તિવારીએ તે કલાકારોની પણ ઝાટકણી કાઢી છે. જે આખો દિવસ ઘર બેઠા ટ્‌વીટ તો કરતાં રહે છે. પરંતુ મદદના નામે એક રૂપિયો પણ મજૂરો માટે બનેલા રાહત ફંડમાં આપતા નથી. તિવારીએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચને એક વખત જણાવ્યું હતું કે, સમય આવવા પર અમે કર્મચારીઓની કોઈપણ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ. હવે સમય આવી ગયો છે જ્યારે કર્મચારીઓને તેની મદદની જરૂરત છે. અમે અમિતાભ બચ્ચનજીને મદદની માંગ કરી રહ્યા છીએ. સાથે જ અમે સલમાનખાનને પણ કર્મચારીઓની મદદ માટે આગળ આવવા માટે કહી રહ્યા છીએ. કોરોનાના કારણે ફિલ્મો અને ટીવીના નાટકોની શુટિંગ બંધ થયા પછી ફેડરેશને તાત્કાલિક બેઠક કરી સેપ્સ પર કામ કરતાં દૈનિક વેતનભોગીઓની જમવાની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો હતો. તિવારી જણાવે છે અમે કર્મચારીઓને રાશનથી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી લીધી હતી અને અમે થોડું રાશન વહેંચી પણ ચૂકયા છીએ. પરંતુ જ્યારે ભારત સરકારે સંપૂર્ણ દેશમાં લોકડાઉન કરી દીધું. ત્યારબાદ અમે લોકો સુધી તેમની સુવિધાની વસ્તુઓ પહોંચાડવામાં અસમર્થ રહ્યા. તિવારીએ જણાવ્યું કે, મદદ માટે કેટલાક મોટા લોકોએ હામી ભરી હતી પરંતુ જ્યાં સુધી પૈસા નથી મળતા ત્યાં સુધી અમે મદદ આગળ કેવી રીતે મોકલીશું ? હવે તે લોકો ટ્‌વીટર પર ટ્‌વીટ કરે છે તેનાથી પેમેન્ટ તો નથી થતું. પેમેન્ટ તો ત્યારે થશે જ્યારે તે પોતાના ખાતામાંથી પૈસા અમારા ખાતામાં મોકલશે. તે સીધા પૈસા મજૂરોના ખાતામાં તો નથી નાંખી શકતા કારણ કે, તે બધાની માહિતી તો અમારી પાસે હોય છે.