ઇન્દોર,તા. ૨૨
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આજે વધુ એક સિદ્ધિ હાસલ કરી હતી. રોહિત શર્મા ટ્‌વેન્ટી ક્રિકેટમાં પણ સૌથી ઝડપથી સદી કરવાના રેકોર્ડ સુધી પહોંચી ગયો છે. રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. રોહિત શર્માએ આજે માત્ર ૩૫ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી આ રેકોર્ડ સિદ્ધિ હાસલ કરી હતી. ડેવિડ મિલરે પણ આ વર્ષે ૨૯મી ઓક્ટોબરના દિવસે બાંગ્લાદેશની સામે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રોહિત શર્માએ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી. આ મેચમાં રોહિતે ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૧૮ રન ૪૩ બોલમાં બનાવ્યા હતા. જો કે, સદી ૩૫ બોલમાં પુરી કરી હતી. આ અગાઉ ટ્‌વેન્ટી ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ રાહુલના નામ ઉપર હતો. રાહુલે વિન્ડિઝ સામે લોન્ડરહિલ્સમાં ૪૬ બોલમાં સદી કરી હતી. ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામ ઉપર છે. ગેઇલે ૩૦ બોલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા પુણે સામે સદી ફટકારી હતી.