નડિયાદ, તા.ર૪
ઠાસરા તાલુકાના રાણીયા નજીક કોટલીડોરા ગામથી ૧પ જેટલા લોકો મહિસાગર નદી પાર કરી સામા છેડે પહોંચી ત્યાંથી પાવાગઢ જવા આજે હોળીમાં બેસી રવાના થતા હતા. આ હોળી રાણીયા નજીક મહિસાગર નદીમાં પલટી ખાઈ જતાં ૧પ જેટલા લોકો તણાયા હતા. જો કે લોકોએ દોડી આવી ૧૪ને બચાવી હોસ્પિટલ ભેગા કર્યા હતા, જ્યારે એક બાળકનું આ નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના કોટમાં રહેતા ૧પ જેટલા લોકો આજે પાવાગઢ જવા માટે ઘરેથી નિકળ્યા હતા. આ ગામ નજીકમાંથી મહિસાગર નદી પસાર થાય છે. આ નદી પાર કરતા સામે છેડે વડોદરા જિલ્લો હોઈ ત્યાં પાવાગઢનો માર્ગ ટૂંકો છે જેથી આ લોકો આજે હોડીમાં બેસી મહિસાગર નદી પાર કરવા નિકળ્યા હતા. આ હોડી કોટ નજીકના રાણીયા ગામ પાસે નદીના અંતર કાપતી હતી તે વખતે એકાએક હોડી પલટી ખાઈ જતા ૧પ વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતા. બચાવો.. બચાવોની બુમો પાડતા આજુબાજુના લોકોએ સાંભળતા તરવૈયાઓ પાણીમાં કુદી પડ્યા હતા તેમજ અંદર બેઠેલા માણસ ઘણા તરવૈયા હોઈ તેમણે પોતાનો સ્વબચાવ કર્યો હતો.
આ હોડી ડૂબવાની ઘટનાના તમામ ૧પ જણાને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ૧૭ વર્ષીય હાર્દિક વનરાજસિંહ ચાવડા નામના કિશોરનું મોત નિપજ્યું છે.
આ બનાવની જાણ થતાં કોટ તેમજ રાણીયા ગામથી લોકો દોડી ગયા હતા. હજી કોટલીડોરાના વિરેન્દ્ર ચાવડા અને મહેશ ચાવડા હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બાકીનાને રજા મળી ગઈ છે.
ઠાસરાના રાણીયા નજીક મહી નદીમાં હોડી પલટી ખાતાં એકનું મોત : ૧૪ને બચાવાયા

Recent Comments