ગુજરાત ભાજપમાં ઘમાસાણને લઈ મામલો દિલ્હી મોદી દરબારમાં પહોંચ્યો !

નીતિન પટેલ, ફળદુ, ચુડાસમા, કૌશિક પટેલ સહિત જૂના મંત્રીઓ પડતા મૂકવાને લઈ ભારે અસંતોષ • કેટલાક ધારાસભ્યો દ્વારા ઉચ્ચ કક્ષા સુધી લોબિંગના પ્રયાસો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૫
ભાજપ સરકારના નવા મંત્રીમંડળની રચનાનું કોકડું બરોબરનું ગૂંચવાયું છે અને તેને લઈને જ આજે યોજાનારી શપથવિધિ આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી હોવાનું જણાય છે. રાજ્યના નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીને લઈ ડઝનેક જૂના મંત્રીઓને પડતા મૂકવાની વાતને લઈ પક્ષમાં ભારે અસંતોષ સપાટી પર આવ્યો છે. તો તેની સાથે મંત્રી બનવા માંગતા નવા ચહેરાઓ દ્વારા થતું લોબીંગ પણ દબાણ ઊભું કરી રહ્યું છે. ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતા ભાજપમાં આંતરિક વિખવાદને ઠારવા સાથે મંત્રીમંડળની રચનાનો પડકાર ઊભો થયો છે.
રાજભવનમાં તૈયારીઓ અને તમામ મંત્રીઓ ગાંધીનગરમાં હાજર છતાં આ મામલે અનેક તર્ક વિતર્કો છે. સરકાર નો રીપિટ થીયરી પણ અપનાવી શકે છે. ઘણા કદાવર મંત્રીઓના પદ કપાવવાની સંભાવનાને પગલે ૩ અલગ અલગ જૂથો પડી ગયા છે. આ તમામ જૂથ મોદી દરબાર સુધી પહોંચ્યા છે. ૨ જૂથને હવે અમિત શાહની દરમિયાનગીરી પસંદ નથી. જેઓ સીધા પીએમને રિપોર્ટ કરી રહ્યાં છે. રૂપાણી સરકારના તમામ જૂના બિન કાર્યક્ષમ મંત્રીઓના નામ કપાવવાની શક્યતાઓ હોવાથી આ મંત્રીઓ ફરી સરકારમાં સમાવેશ માટે એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. જુદા જુદા ત્રણ જુથો વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના દરબારમાં ગયો જેમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ, કૌશિક પટેલ સહિતના જૂના અગ્રણી મંત્રીઓને પડતા મૂકવાની વાતી વહેતી થતા ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની આજની શપથવિધિ રદ થયા બાદ હવે આવતીકાલે ૧૬ તારીખના રોજ યોજાવાની છે. તે માટે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે નવા પ્રધાન મંડળની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ કોણ હશે તેને લઈને સૌ કોઈમાં કુતૂહલ છે. ત્યારે શપથવિધિની ગણતરીના કલાકો પહેલાં જ ગાંધીનગર પહોંચેલા ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે ફોન કરીને જાણ કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં ધારાસભ્યો નીમાબહેન આચાર્ય- ભૂજ, શશીકાંત પંડ્યા- ડીસા, રૂષિકેશ પટેલ- વિસનગર, ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ, ગોવિંદ પટેલ- રાજકોટ, આર.સી.મકવાણા- મહુવા, જીતુ વાઘાણી- ભાવનગર, પંકજ દેસાઇ- નડીયાદ, કેતન ઇનામદાર- સાવલી, મનીષા વકિલ- વડોદરા, દુષ્યંત પટેલ- ભરૂચ, સંગીતા પાટીલ- સુરત, મોહન ઢોડિયા- મહુવા, નરેશ પટેલ- ગણદેવી, કનુભાઈ દેસાઈ- પારડી સહિતનાઓના સમાવેશની શક્યતા દર્શાવાય છે.
જ્ઞાતિવાર જોઈએ તો મંત્રીમંડળમાં પાટીદાર – ૭થી ૮, અન્ય સવર્ણ – ૫, ઓબીસી- ૮થી ૧૦, દલિત – ૨, આદિવાસી – ૨થી ૩ મંત્રીઓ હોઈ શકે તેવી શક્યતા જોવા છે.
રૂપાણી સરકારના મંત્રી મંડળનો તો સીધો સાફ સફાયો થાય તેવી પૂરી સંભાવના છે. મોટાભાગના મંત્રીઓ નવી સરકારમાં નહીં હોય. ૨૨ મંત્રીના કદને ઘટાડી ૧૬ મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે, જેમાં રૂપાણી સરકારના ૧૧ કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના ૧૧માંથી ૭ની બાદબાકી કરીને માત્ર ૪ મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે. આ તમામ માત્ર અટકળો છે. મોદી એ જાદુગર છે. જે કોઈ પણ શક્યતાઓ બદલવા માટે જાણીતા છે. જ્યારે એક ડઝન જેટલા નવા ચહેરાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે અને જૂનામાંથી પાંચ-છ મંત્રીને યથાવત રખાય તેવી વિગતો ભાજપના ખાસ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહી છે. મંગળવારે રાત્રે ૧૧ વાગ્યા બાદ તમામ ધારાસભ્યોને પક્ષ તરફથી સૂચના અપાઈ હતી કે તેમને ૧૦ વાગ્યે જ રાજભવન પહોંચી જવાનું છે, પરંતુ કોઈ કારણ અપાયું ન હતું. રાજભવન આવવાનું હોવાથી ત્યાં મંત્રીમંડળના શપથગ્રહણનો સમારોહ છે એ સીધી રીતે ખ્યાલ આવી જાય. જૂના મંત્રીઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. નો-રિપીટ થિયરી લાગુ કરાય એવું પક્ષના નેતાઓ માની રહ્યા છે.