(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૯
૧૫ ઉમેદવારોની ગાંધીનગરની ચિલોડા પોલીસે ધરપકડ કરી હતી. જે પૈકી બે ઉમેદવારોની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)ની ભરતીમાં લેખિત પરીક્ષા અન્ય ઉમેદવારે આપ્યા બાદ ડમી ઉમેદવાર પાસે અપાવી ફિઝીકલ ટેસ્ટ આ કેસની વિગત અનુસાર ૧૩મી ઓગસ્ટના રોજ ગાંધીનગર નજીકના ચિલોડમાં આવેલા બી.એસ.એફ. કેમ્પ ખાતે બી.એસ.એફ.ના કોન્સ્ટેબલની ભરતી માટે ફિઝીકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૩૫૦ જેટલા ઉમેદવારો હાજર રહેલા જેમની ફિંગર પ્રિન્ટ લેવાઈ હતી. તેમાં બહાર આવ્યું હતું કે, ૧૫ ઉમેદવારોના ફિઝીકલ ટેસ્ટ અને અગાઉ લેવાયેલી લેખિત પરીક્ષાના ફિંગર પ્રિન્ટ મેચ થઇ રહ્યા નથી. જેથી જે ઉમેદવારોની ફિંગર પ્રિન્ટ મેચ નહોતી થતી તેમને અલગ બેસાડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ઉમેદવારો રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશથી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે, લેખિત પરીક્ષા અન્ય શખ્સો દ્વારા આપવામાં આવી હતી આથી બી.એસ.એફ. દ્વારા આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બે આરોપીઓ મુનશીપાલ રાજેન્દ્રસિંઘ જાટ અને અજય ઉર્ફે બંટી નેત્રપાલ જાટની જામીન અરજી ગાંધીનગરની ટ્રાયલ કોર્ટે નામંજૂર કરતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે બંને આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. કોર્ટની મંજૂરી વિના ભારત ન છોડવાની અને દર મહિને સંબંધિત પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થવાની શરતના આધારે આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.