ભાવનગર,તા.ર૦
મૂળ ડાંગ આહવા વિસતારમાં રહેતી આદિવાસી સગીરા કે જે હાલમાં પુખ્તવયની થઈ ચુકી છે. તેણીએ ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથકમાં પોતાની સાથે છ શખ્સોએ પોતાની ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ભાવનગરના એસસીએસટી સેલના ડીવાયએસપીએ આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.
આ ચકચારી બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ડાંગ આહવા જિલ્લામાં રહેતી સગીરા ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આજથી બે વર્ષ પૂર્વે તેના જ ગામની બાજુમાં રહેતા તેના કૌટુંબિક સગા મોહનીયાએ તેણીને તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા ભાવેશ લાધવા અને તેની પત્ની કમુબેન લાધવા નામના દંપતીને રોકડ રકમ લઈને વેચી હતી. ત્યાર બાદ ભાવેશ લાધવા અને તેની પત્નીએ સગીરાને આહવાથી લાવી પીથલપુરના પોતાના ઘરે ગોંધી રાખ્યા બાદ તળાજા તાલુકાના જ મંગેળા ગામે રહેતા મહેશ નામના યુવાનને પૈસા લઈને વેચી હતી. ભાવેશ સાથે રહેતી હતી તે દરમ્યાન ભાવેશએ તેણીની ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
થોડા સમય બાદ તેણી તળાજા મજુરી કામ કરતી હતી. ત્યારે મળેલા ગામના જ સુખદેવ જોગીએ તેણીને બાઈક ઉપર બેસાડી સુરત લઈ ગયો હતો. સુરત કપાસ વીણવાના મજુરી કામે રાખી ત્યાં સુખદેવ જોગીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને થોડા દિવસો પછી ફરી પીથલપુર લાવી ભાવેશ લાધવાને સોંપી હતી.
ભાવેશ લાધવાએ તે પછી આ સગીરાને સોડવદરાના હિંમત ઉર્ફે ટીણા પાસેથી પૈસા લઈ લગ્ન કરાવી દેવાનું કહી મોકલી હતી અને તેણે દાઠા તાબેના રેલીયા ગામ રહેતા હર્ષદ બાબર સાથે ગોપનાથ મંદિરમાં હાર પહેરાવી લગ્ન કરાવ્યા હતા. હાર પહેરાવી લગ્ન કર્યા બાદ હર્ષદ બાબરે પણ આદિવાસી યુવતી (હાલ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય) સાથે ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ ગઈકાલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સોએ ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા સહિત સાત સામે વિવિધ ગુના હેઠળ ફરિયાદ નોંધાવતા ઘોઘા રોડ પોલીસે એસસીએસટી સેલના ડીવાયએસપીને નિયમ મુજબ તપાસ સુપરત કરતા ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.